કાલભૈરવજી વિશે રુદ્રયામલ તંત્ર અને જૈન આગમોમાં વિસ્તારથી વર્ણન જોવા મળે છે. કાલભૈરવની સાત્ત્વિક, રાજસિક અને તામસી એમ ત્રણ વિધિઓમાં ઉપાસના કરવામાં આવે છે.
તેમની પૂજામાં અડદ અને તેમાંથી બનેલી વસ્તુઓ જેમ કે દહીંવડાંનો સમાવેશ થાય છે. ચમેલીનાં ફૂલ તેમને પ્રિય છે. ઘણી જગ્યાએ કાલભૈરવને મદિરા ચઢાવવામાં આવે છે. તે અંગે એવું માનવામાં આવે છે કે તેનાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે.
ભૈરવની ઉત્પત્તિ કથા
એક કથા અનુસાર બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કરી. તે સમયે પૃથ્વી પર કોઈનું મૃત્યું થતું ન હતું, તેથી પૃથ્વી પર સતત ભાર વધવા લાગ્યો અને પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ. પૃથ્વીએ કહ્યું કે હું આટલો ભાર સહન નહીં કરી શકું ત્યારે બ્રહ્માજીએ મૃત્યુને લાલ ધ્વજ પકડેલી સ્ત્રી સ્વરૂપે ઉત્પન્ન કરી અને તેને આદેશ આપ્યો કે પ્રાણીઓને મારવાનું દાયિત્વ સંભાળ, પરંતુ મૃત્યુએ એવું કરવાની ના પાડી. તેણે કહ્યું કે હું આવું પાપ ન કરી શકું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તારે તો માત્ર તેમના શરીરને સમાપ્ત કરવાનું છે, જીવ તો વારંવાર જન્મ લેતો રહેશે. આ સાંભળી મૃત્યુએ બ્રહ્માજીની વાત માની લીધી અને ત્યારથી પૃથ્વી પર પ્રાણીઓનાં મૃત્યુ થવા લાગ્યાં.
સમયની સાથે પૃથ્વી પર પાપ વધતાં ગયાં ત્યારે ભગવાન શંકરે બ્રહ્માજીને પૂછ્યું કે આ પાપને સમાપ્ત કરવા તમારી પાસે શું ઉપાય છે? પરંતુ બ્રહ્માજીએ આ વિષયમાં પોતાની અસમર્થતા દર્શાવી, જેથી ભગવાન શંકર બ્રહ્માજી પર ક્રોધિત થયા અને તે ક્રોધમાંથી જ કાલભૈરવની ઉત્પત્તિ થઈ. કાલભૈરવે બ્રહ્માજીના એ મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું, જેણે અસમર્થતા દર્શાવી હતી. તેનાથી કાલભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું.
ત્યારબાદ તેઓ ત્રણે લોકોમાં ભ્રમણ કરતા રહ્યા, પરંતુ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત ન થઈ શક્યા. એવું માનવામાં આવે છે કે જ્યારે કાલભૈરવ કાશી પહોંચ્યા ત્યારે બ્રહ્મહત્યાના પાપમાંથી તેઓ મુક્ત થયા. તે જ સમયે આકાશવાણી થઈ કે તમે અહીં જ નિવાસ કરો અને કાશી નગરીની સુરક્ષાની જવાબદારી સંભાળો.
અન્ય એક પૌરાણિક કથા પ્રમાણે એકવાર શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ બાબતે વિવાદ ઊભો થયો. આ વિવાદે બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું, જેથી ભગવાન શિવે એક સભાનું આયોજન કર્યું. આ સભામાં જ્ઞાનીઓ, ઋષિ-મુનિઓ, સિદ્ધ સંતોને બોલવવામાં આવ્યા. આ સભામાં એક નિર્ણય લેવામાં આવે છે જેનો ભગવાન વિષ્ણુ સ્વીકાર કરી લે છે, પરંતુ બ્રહ્માજી એ નિર્ણયને માનવા માટે તૈયાર થતા નથી તથા મહાદેવનું અપમાન કરવા લાગે છે. શાંતચિત્ત ભગવાન શિવ બ્રહ્માજી દ્વારા પોતાનું અપમાન સહન ન કરી શક્યા અને હુંકાર ભરી. આ હુંકારમાંથી ભૈરવજી પ્રગટ થયા. ભગવાન ભૈરવ શ્વાન (કૂતરું) પર સવાર હતા. તેમના હાથમાં દંડ હતો, તેથી તેઓ દંડાધિપતિ પણ કહેવાય છે. ભૈરવજીનું રૂપ ખૂબ જ ભયંકર હતું. તેમણે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી દીધું, જેણે ભગવાન શંકરનું અપમાન કર્યું હતું. ત્યારબાદ બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ. તેઓ ભોળનાથ તથા ભૈરવજીની વંદના કરવા લાગ્યા. ભગવાન ભૈરવ બ્રહ્માજી અને દેવી-દેવતાઓ દ્વારા વંદના કરાતાં શાંત થાય છે. આ રીતે ભૈરવજીની ઉત્પત્તિ થઈ.
એવી માન્યતા છે કે ભગવાન શંકરે પોતાના જ અવતાર કાલભૈરવને આદેશ આપ્યો હતો કે તમે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી બ્રહ્મહત્યાનું જે પાપ કર્યું છે, તેના પ્રાયશ્ચિત માટે તમારે પૃથ્વી પર જઈને માયાજાળમાં ફસાવું પડશે અને વિશ્વ ભ્રમણ કરવું પડશે. બ્રહ્માજીનું કપાયેલું મસ્તક જ્યારે તમારા હાથમાંથી પડી જશે, તે જ સમયે તમે પાપમુક્ત થઈ જશો અને તે જ જગ્યાએ તમારી સ્થાપના થશે. કાલભૈરવની આ યાત્રા કાશીમાં સમાપ્ત થઈ હતી.
ભૈરવાષ્ટમીનું મહત્ત્વ
કાલભૈરવની સાથે સાથે આ દિવસે કાલી માતાની પૂજા-અર્ચના કરવાનું વિધાન છે. કાલી માતાની ઉપાસના કરનારે મધ્ય રાત્રિએ દુર્ગાપૂજામાં સાતમ તિથિએ દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે પૂજા કરવી જોઈએ.
ભૈરવજીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિની સાથે સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. ભૈરવ તંત્રોક્ત, બટુક ભૈરવ કવચ, કાલભૈરવ સ્તોત્ર, બટુક ભૈરવ બ્રહ્મકવચ વગેરેનો નિયમિત પાઠ ભૈરવાષ્ટમીએ તથા નિયમિત રીતે કરવાથી અનેક સમસ્યાઓનું નિદાન થાય છે. કાલભૈરવ અષ્ટમીએ ભૈરવજીનાં દર્શન કરવાથી અશુભ કર્મોમાંથી પણ મુક્તિ મળે છે. ભૈરવ ઉપાસના શનિ, રાહુ-કેતુ જેવા ક્રૂર ગ્રહોના ખરાબ પ્રભાવને પણ સમાપ્ત કરે છે.
ભૈરવાષ્ટમી વ્રત-પૂજનવિધિ
શિવજીના ભૈરવ રૂપની ઉપાસના કરનાર ભક્તોએ ભૈરવનાથજીની ષોડશોપચાર સહિત પૂજા કરવી જોઈએ તથા તેમને અર્ધ્ય આપવો જોઈએ. રાત્રિના સમયે જાગરણ કરીને ભોળા શંકર તથા માતા પાર્વતીજીની કથા તથા ભજન-કીર્તન કરવાં જોઈએ. સાથે ભૈરવજીની કથાનું શ્રવણ તથા મનન કરવું જોઈએ. મધ્ય રાત્રિએ શંખ, નગારાં, ઘંટ વગેરે વગાડીને ભૈરવજીની આરતી કરવી જોઈએ.
ભગવાન ભૈરવનાથનું વાહન શ્વાન છે, તેથી તેમને પ્રસન્ન કરવા ભૈરવાષ્ટમીએ કૂતરાંઓને ભોજન આપવું જોઈએ. આ દિવસે પ્રાત:કાળે પવિત્ર નદી તથા સરોવરમાં સ્નાન કરીને પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરીને ભૈરવજીની પૂજા તથા વ્રત કરવાથી સમસ્ત વિઘ્નો સમાપ્ત થઈ જાય છે તથા દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. ભૈરવજીની પૂજા-ભક્તિ કરવાથી ભૂત, પિશાચ તથા કાળ પણ દૂર રહે છે.
ભૈરવ આરાધના
ભૈરવજીની આરાધનાથી શનિ પ્રકોપ શાંત થાય છે. તેમની આરાધના માટે રવિવાર અને મંગળવાર શુભ છે. પુરાણો અનુસાર ભાદરવા માસને ભૈરવપૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. આરાધના દરમિયાન કૂતરાંઓને ક્યારેય ધુત્કારશો નહીં, પરંતુ તેમને ભરપેટ ભોજન કરાવો. જુગાર, સટ્ટો, મદ્યપાન તથા અનૈતિક કૃત્ય વગેરેથી દૂર રહો. પવિત્ર બનીને સાત્ત્વિક આરાધના કરો.
ભૈરવજીનું ત્રિગુણાત્મક સ્વરૂપ
શ્રી તંત્વનિધિ નામ તંત્ર-મંત્રમાં ભૈરવ શબ્દના ત્રણ અક્ષરોના ધ્યાન માટે ત્રિગુણાત્મક સ્વરૂપનું વર્ણન છે, કારણ કે આ ત્રણેય શક્તિઓ કાલભૈરવમાં સમાયેલી છે.
`ભ’ અક્ષરવાળી ભૈરવજીની મૂર્તિ શ્યામ વર્ણની છે, ભદ્રાસન પર બિરાજમાન છે તથા ઉદયકાળના સૂર્ય સમાન સિંદૂરવર્ણી કાંતિ છે. તે એકમુખી વિગ્રહે પોતાના ચારેય હાથમાં ધનુષ, બાણ, વર તથા અભય ધારણ કર્યાં છે.
`ર’ અક્ષરવાળી ભૈરવ મૂર્તિ શ્યામ વર્ણની છે. તેમનાં વસ્ત્ર લાલ છે. સિંહ પર આરૂઢ આ પંચમુખી દેવે પોતાના આઠ હાથમાં ખડગ, ખેટ, અંકુશ, ગદા, પાશ, શૂલ, વર તથા અભય ધારણ કર્યાં છે.
`વ’ અક્ષરવાળું સ્વરૂપ શ્વેત છે. તેઓ સમસ્ત લોકોના એકમાત્ર આશ્રય છે. વિકસિત કમળપુષ્પ તેમનું આસન છે. ચારેય હાથમાં ક્રમશ: બે કમળ, વર તથા અભય ધારણ કર્યાં છે.
શ્રી ભૈરવનાં સ્વરૂપ
બટુક ભૈરવ
બટુક ભૈરવ એ ભગવાનનું બાળ સ્વરૂપ છે. તેમને આનંદ ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના આ સૌમ્ય સ્વરૂપની આરાધના શીઘ્ર ફળદાયી છે. તે કાર્યમાં સફળતા માટે પણ ઘણી મહત્ત્વની છે.
કાલભૈરવ
તે ભગવાનનું સાહસિક યુવાન સ્વરૂપ છે. આ રૂપની આરાધના કરવાથી શત્રુમુક્તિ, સંકટમુક્તિ અને કોર્ટ-કચેરીની બાબતમાં વિજય મળે છે, સાથે વ્યક્તિમાં સાહસનો સંચાર પણ થાય છે. તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. કાલભૈરવને ભગવાન શંકરના રુદ્રાવતાર માનવામાં આવે છે.
લોકદેવતા
લોકજીવનમાં ભગવાન ભૈરવને ભૈરુ મહારાજ, ભૈરુબાબા, કાલા ભૈરવ, ગોરા ભૈરવ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. કેટલાક સમાજના તેઓ કુલદેવતા છે અને તેમને પૂજવાનું પ્રચલન પણ જુદું-જુદું છે, જે વિધિવત્ ન હોતા સ્થાનિક પરંપરાનો એક ભાગ છે.
ભૈરવ તંત્ર
યોગમાં ભૈરવ તંત્રને સમાધિપદ કહેવામાં આવે છે. ભૈરવ તંત્રમાં ભૈરવ પદ કે ભૈરવી પદ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવજીએ દેવી સમક્ષ 112 વિધિઓનો ઉલ્લેખ કર્યો હતો. જેના માધ્યમથી સમાધિપદને પ્રાપ્ત કરી શકાય છે.
શ્રી કાલભૈરવની આરતી
જય ભૈરવ દેવા, પ્રભુ જય ભૈરવ દેવા।
જય કાલી ઔર ગૌરા દેવી કૃત સેવા॥
તુમ્હીં પાપ ઉદ્વારક દુ:ખ સિંધુ તારક।
ભક્તો કે સુખ કારક ભીષણ વપુ ધારક॥
વાહન શવન વિરાજત કર ત્રિશૂલ ધારી।
મહિમા અમિટ તુમ્હારી જય જય ભયકારી॥
તુમ બિન દેવા સેવા સફલ નહીં હોવે।
ચૌમુખ દીપક દર્શન દુ:ખ સગરે ખોંવે॥
તેલ ચટકિ દધિ મિશ્રિત ભાષાવલિ તેરી।
કૃપા કરિએ ભૈરવ કરિએ નહીં દેરી॥
પાંવ ઘુંઘરૂ બાજત અરુ ડમરુ ડમકાવત।
બટુકનાથ બન બાલક જન મન હર્ષાવત॥
બટુકનાથજી કી આરતી જો કોઈ નર ગાવે।
કહેં ધરણીધર નર મનવાંછિત ફલ પાવે॥


