દિવસ દરમિયાન શ્રેણીબધ્ધ કાર્યક્રમોની વણઝારમાં હરિભકતો ભાવવિભોર
અગ્ર ગુજરાત, રાજકોટ
BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા પ્રાગટ્યોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવ પર્વે રાત્રે ૭:૩૦ વાગ્યે પ્રમુખસ્વામી સભાગૃહમાં ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા જન્મોત્સવની વિશિષ્ટ સભા યોજાઈ હતી. આ વિશિષ્ટ સભામાં યુવાનો દ્વારા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સાથે ‘માનવ ઉત્કર્ષના પ્રણેતા ભગવાન શ્રી સ્વામિનારાયણ’ વિષયક ડીબેટ દ્વારા ખૂબ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
જન્મોત્સવની સભાના અંતમાં રાત્રે ૧૦ વાગ્યાથી તમામ ભક્તોએ ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવને વધાવવા માટે મંદિર અને મંદિર પરિસર ફરતે સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. મંદિર પર શોભતી ભગવાન સ્વામિનારાયણની ૨૦ ફૂટની વિશાળ ચિત્ર પ્રતિમાએ નયનરમ્ય નઝારો ઉભો કર્યો હતો. મંદિરમાં ઉપસ્થિત હજારો ભક્તોએ ગગનભેદી જયનાદ સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મના વધામણા કર્યા હતા અને જન્મોત્સવની સમૂહ આરતી ઉતારી હતી. સમુહ આરતી બાદ ભક્તોએ ઘનશ્યામ મહારાજને પારણે ઝુલાવવાનો અને સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
જન્મોત્સવ ઉપક્રમે ઠાકોરજીની વૈદિક મહાપૂજાવિધિ યોજાઈ હતી. મહાપૂજાવિધિ બાદ સંતોએ ઠાકોરજીને જન્મોત્સવ પર્વે પંચામૃત અને કેસર જલાભિષેક કરી વધાવ્યા હતા. ત્યારબાદ ૮:૪૫ થી ૯:૧૫ દરમ્યાન નીલકંઠવર્ણી મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની કેસર જલાભિષેક વિધિ સાથે સહજાનંદ નામાવલીનો પાઠ યોજાયો હતો. ઉપસ્થિત ભક્તોએ અક્ષરપુરુષોત્તમ મહારાજને કેસર જળથી અભિષેક દ્વારા વધાવ્યા હતા. નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પર ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળ ગાન તથા સંધ્યા આરતી યોજાઈ હતી.
સાથે શ્રીરામ જન્મોત્સવે ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિનું પૂજ્ય સંતો દ્વારા વંદન અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું. ભગવાન શ્રીરામચંદ્રજીના દિવ્ય સ્વરૂપને વિવિધ ભોગ અને પંચાજરીનો પ્રસાદ અર્પણ કરી, સંતો-ભક્તોએ બપોરે ૧૨ વાગ્યે શ્રીરામ જન્મોત્સવે આરતીનું ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.


