ધર્મશાસ્ત્રોના કથન અનુસાર દેવતાઓના તથા સમસ્ત માનવજીવ સમુદાયના શિલ્પકાર ભગવાન શ્રી વિશ્વકર્મા છે. હિન્દુ ધર્મમાં વિશ્વકર્મા ભગવાનને નિર્માણ તેમજ સર્જનના દેવ તરીકે માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણ અંતર્ગત વિશ્વકર્મા ભગવાન બ્રહ્માજીના પુત્ર ધર્મના સાતમા પુત્ર છે. શ્રી વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના જનક છે. શ્રી વિશ્વકર્મા જયંતીએ તેમનું પૂજન, વાસ્તુ પૂજન, યંત્ર પૂજન તેમજ દરેક પ્રકારના શિલ્પકાર, શ્રમિક જીવો કે જેઓ શસ્ત્રનો પ્રયોગ કરીને મકાન, દુકાન, ઓફિસનું નિર્માણકાર્ય કરતા હોય તેવી વ્યક્તિઓ શ્રદ્ધા સહિત પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ થતાં શસ્ત્ર, મશીન, એન્જિનની પૂજા કરીને શ્રી વિશ્વકર્મા ભગવાન લોહ, કાષ્ઠ, તામ્ર, પાષાણ, સોનું વગેરેના પ્રધાન દેવ હોવાના કારણે આ સંબંધી વ્યવસાય કરનારી વ્યક્તિઓ વિશ્વકર્મા જયંતીના દિવસે પોતાના વ્યવસાયની વૃદ્ધિ માટે આ ઉપકરણોની શ્રદ્ધા સહિત પૂજા કરે છે.
સર્જન
વિશ્વકર્મા પુરાણ અંતર્ગત ભગવાન શ્રી વિશ્વકર્માએ જ સંપૂર્ણ બ્રહ્માંડનું સર્જન કર્યું છે તેમજ સ્વર્ગલોક, દેવતાઓનાં શસ્ત્રો, વિમાનો જેમ કે, પુષ્પક, દ્વારિકા નગરી, યમપુરી, યક્ષરાજ કુબેર, ભગવાનની અલકાપુરી નગરી, શિવજીનું કૈલાસ, શ્રી હરિ વિષ્ણુનું વૈકુંઠ ધામ, ભૂલોક પર હસ્તિનાપુર તેમજ શિવજીનું ત્રિશૂળ, ભગવાન શ્રીકૃષ્ણનું સુદર્શનચક્ર, યમરાજનું કાલદંડ, કર્ણનાં કુંડલ, રાવણની લંકા, શ્રી વરુણદેવનું પાશ વગેરે અનેક દેવી-દેવતાઓનાં શસ્ત્રો, નિવાસસ્થાનના મહેલોનું નિર્માણ શ્રી વિશ્વકર્માએ જ કરેલું છે. પોતાના સ્વપ્નના ઘરના નિર્માણ માટે શાસ્ત્ર અનુસાર જે કોઇ પણ વ્યક્તિ દિવસમાં બે સમય વિશ્વકર્મા ભગવાનનો નીચેના મંત્રનું 12 માસ સુધી ઉચ્ચારણ કરવાથી ભગવાન વિશ્વકર્માની કૃપા થવાથી તે વ્યક્તિ તેના સ્વપ્નનું ઘર ભગવાનની કૃપાથી પ્રાપ્ત કરી શકે છે.
विश्वव्यापिन्नमस्तुभ्यं त्र्यम्बकं हंसवाहनम् ।
सर्वक्षेत्रनिवासाख्यं विश्वकर्मन्नमोनमः ॥
એક માન્યતા અનુસાર વિશ્વકર્મા જયંતીના દિવસે તેમજ દરરોજ 3 વાર શ્રી વિશ્વકર્મા ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવામાં આવે તો તે સ્થાનેથી વાસ્તુદોષ નાશ પામે છે. શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે વાસ્તુ પૂજન, શ્રી યંત્ર પૂજન તેમજ શ્રી વિશ્વકર્માનો હવન કરવામાં આવે તો તે સ્થાનેથી અવશ્ય વાસ્તુદોષ નાશ પામે છે એવું શાસ્ત્રમાં પ્રમાણ છે.
આ રીતે કરો પૂજન
શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે પ્રભાતમાં સ્નાન કર્યા બાદ બાજોઠ પર પીળા કપડાનું સ્થાપન પાથરી ત્યારબાદ લાલ રંગના કંકુથી તેના પર સ્વસ્તિક બનાવવો. તેના પર શ્રી ગણેશ, શ્રી વિશ્વકર્માની મૂર્તિ અથવા યંત્ર તેમજ શ્રી વિષ્ણુની છબી પધરાવવી. આજુબાજુ પાંચ ઋતુ ફળ, પાંચ સૂકા મેવા પધરાવવા. સ્થાપન પાસે ગાયના ઘીનો દીવો, અગરબત્તી તેમજ ધૂપ કરવો. ત્યારબાદ પંચોપચારે પૂજન કરવું. વિશ્વકર્મા ભગવાનની મૂર્તિને પંચામૃત અને ત્યારબાદ ગુલાબજળથી સ્નાન કરાવી સ્વચ્છ પવિત્ર કરીને જનોઈ, વસ્ત્ર અર્પણ કરવાં. શ્રી વિશ્વકર્મા ભગવાનના પૂજનમાં ફળ, સોપારી, ધૂપ, દીપ, નાડાછડી, દહીં, મિઠાઈ વગેરેનો સમાવેશ થાય છે. શાસ્ત્રોના કથન અનુસાર તેમને ગુલાબનું પુષ્પ અતિ પ્રિય હોવાથી ગુલાબનાં પુષ્પોની માળા અને પુષ્પ જરૂરથી અર્પણ કરવાં. ત્યારબાદ નૈવેદ્યમાં બુંદીના લાડવા કે માવાની મીઠાઈ ધરાવવી. ધન, સંપત્તિ, ધાન્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે નીચેના મંત્રની 11,21,51 અથવા 108 માળા કરવી.
॥ ઓમ શ્રી વિશ્વકર્મણ્યેય નમઃ ॥
ત્યારબાદ આરતી કરીને ભગવાનની આગળ પોતાનો મનોરથ કરી દંડવત્ પ્રણામ કરવા. પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરેલા આ પૂજન દ્વારા મનુષ્યની મનોકામના પ્રભુ અવશ્ય સિદ્ધ કરે છે.
વિશ્વકર્મા ભગવાને માનવસમુદાયને પોતાની શિલ્પકળા દ્વારા અર્થોપાર્જન માટેનું શ્રેષ્ઠ વરદાન આપેલું છે. ભગવાન શ્રી વિશ્વકર્માજીને `દેવતાઓના શિલ્પકાર’, `સકલ કળાના સ્વામી’, હસ્તકળાના વહીવટકર્તા, દેવતાઓનાં ભવનો, સભાખંડો, રત્નો, રથો અને વિવિધ શસ્ત્રોના સર્જનકર્તા, કળિયુગમાં માનવોના શ્રેષ્ઠ આર્કિટેક્ચર અને એન્જિનિયરીંગના દેવ, વિશ્વના પ્રથમ સ્થાપત્યકાર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી વિશ્વકર્માએ બ્રહ્માંડની તેમજ ભૂમિ પર વસવાટ કરનારા માનવોને પોતાની કળા દ્વારા અર્થોપાર્જન કરવામાં સરળતા મળી રહે તેમજ આર્થિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે શિલ્પકળા, રત્નકળા, શસ્ત્રકળા જેવી અનેકાનેક કળાઓ માનવસમુદાયને પ્રદાન કરી ધર્મશાસ્ત્રના મત અનુસાર રાજા પૃથુની પ્રાર્થનાથી ભગવાન શ્રી વિશ્વકર્મા મહા સુદ તેરસના દિવસે સ્વર્ગમાં વૃદ્ધ સ્વરૂપે હાથમાં ગજ (ફૂટપટ્ટી) સૂત્ર, જળપાત્ર અને પુસ્તક (શિલ્પશાસ્ત્ર) ધારણ કરીને હંસ ઉપર સવારી કરી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો. રાજા પૃથુ સમક્ષ પ્રભુ મહા સુદ તેરસે પ્રગટ થવાના કારણે પણ આ દિવસ `શ્રી વિશ્વકર્મા જયંતી’ના નામે પ્રસિદ્ધ થયો. ધર્મશાસ્ત્રોના મત અનુસાર ભગવાન શ્રી વિશ્વકર્માએ પોતાની હાથની હથેળીનું મંથન કરીને પાંચ પુત્રો – મનુ, મય, ત્વષ્ટા, દેવજ્ઞ અને શિલ્પી ઉત્ત્પન્ન થયા. જેઓ સકળ કળામાં નિપુણ હતા. ભગવાન વિશ્વકર્માના દત્તક પુત્ર તરીકે વાસ્તુદેવ ગણવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માની પુત્રીઓ તરીકે રિદ્ધિ, સિદ્ધિ, રન્નાદે (રાંદલ), ચિત્રાંગદા વગેરે પુરાણોમાં વર્ણન આપેલું છે. ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરમાં ચાર પ્રદક્ષિણા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન વિશ્વકર્મા મનુષ્યના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ કરાવે છે. પાંડવોના નિવાસસ્થાન `ઇન્દ્રપ્રસ્થ’નું નિર્માણ પણ ભગવાન શ્રી વિશ્વકર્માએ જ કર્યું હતું. શિવપુરાણ અંતર્ગત સત્તર મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત્ વિશ્વકર્મા દાદાનું પ્રતીક ગણવામાં આવે છે. પંચાંગના મત અનુસાર ચિત્રા (ત્વષ્ટા) નક્ષત્રના સ્વામી પ્રભુ વિશ્વકર્મા છે. ભગવાન શ્રી વિશ્વકર્માના યજ્ઞમાં બલવધંનમ્ નામના અગ્નિનું આવાહન કર્યા બાદ ભગવાન શ્રી વિશ્વકર્માના મંત્ર દ્વારા આહુતિ અર્પણ કરવાથી ભગવાન વિશ્વકર્માની સહજ કૃપા પ્રાપ્ત થાય છે. આ યજ્ઞ વિશેષ કરીને શ્રી વિશ્વકર્મા જયંતીએ કરવામાં આવે તો ભગવાનની કૃપાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
સાત સૂત્રો
વિશ્વકર્મા પ્રભુએ પોતાના પુત્રોને સાત સૂત્રો આપ્યાં. (1) દૃષ્ટિ (2) ગજ (3) દોરી (4) આવલંબ (5) કાટખૂણો (6) સાંધણી (7) ધ્રુવમકટી. પુત્રોની સાથે સમગ્ર માનવસમુદાયને ફરશી, વાંસલો, વીંધણું, કાટખૂણો, કરવતી, ટાંકણું, નાથણું, ખહરો, આરી, હથોડી, ટુંચન, તારણ, ફેરવણું, શારડો, કુહાડી, ખોતરણું, લેલો, લોટું, મસ્તર, ભૂંગળી, સુસડી, એડી, દાતરડું, સવાડી, પાલસો, અડિયો, કાતર, કુલ્લી જેવાં અનેક હથિયારોની ભેટ આપીને માનવજીવનમાં અર્થોપાર્જન નિયંત્રિત રહે તેની વ્યવસ્થા કરી છે.
ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ
ભગવાન શ્રી વિશ્વકર્માનું સ્વરૂપ અતિ મનોહર છે. તેમનું સ્વરૂપ વિદ્વત્ત વૃદ્ધ બ્રહ્મસ્વરૂપ તરીકે ઓળખાય છે કે જેઓ સુંદર સિંહાસન પર બિરાજમાન છે. લલાટ પર બ્રહ્મતેજ છે. જેમના હાથમાં ચક્ર, સુદર્શન, કમંડલ, શિલ્પશાસ્ત્ર, શંખ, ધનુષ્ય બાણ, કમળ શોભે છે. તેમનું વાહન ગજ તેમજ હંસ છે. મસ્તક પર સુવર્ણ મુકુટ શોભે છે. તેમણે પીળું પીતાંબર ધારણ કર્યું છે. તેમજ ગળામાં સુવર્ણમાળા શોભાયમાન દીસે છે. ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુ ધર્મપીઠ પર બિરાજમાન છે.