જેતપુર પોલીસ, રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ-અલગ ટીમની ત્વરીત કામગીરી
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં રહેતા હનીફભાઇ ગરાણાના પુત્ર અબ્દુલ કાદીરને મેંદરડાની મુસ્કાન રફાઇ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અબ્દુલ કાદીર આ યુવતીને ક્યાંક લઈ ગયો હોવાની શંકા રાખી મુસ્કાનના પરિવારજનો અને સાગરીતોએ હનીફભાઇના ઘરે પહોંચી ધમકીઓ આપી હતી. આરોપીઓએ હનીફભાઇની પુત્રી સીમરાનાબેનના ઘરે જઈને પણ અબુને જીવતો નહીં છોડવાની ધમકી આપી હતી.
આ ઘટના બાદ, જ્યારે હનીફભાઇ અને તેમના પત્ની મુમતાજબેન હુસૈની ચોક પાસે આવેલી વોરા સમાજની વાડીમાં રસોડાનું કામ કરી રહ્યા હતા, ત્યારે પાંચ આરોપીઓએ કાવતરું રચી ત્યાં ઘસી આવ્યા હતા. આરોપી હિના ચૌહાણે મુમતાજબેનને લાફા મારી “જો અમારી છોકરી નહીં આવે તો તને મારી નાખીશું” તેવી ધમકી આપી બળજબરીથી મોટર સાયકલ પર બેસાડી તેમનું અપહરણ કર્યું હતું.
હનીફભાઇએ આ અંગે જેતપુર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી પરમાર સૂચનાથી સિટી પોલીસ ટીમ રાજકોટ ગ્રામ્ય પોલીસ સહિત અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સોર્સના આધારે જેતપુર પોલીસે જુનાગઢ એલ.સી.બી. અને તાલુકા પોલીસને સાથે રાખી મુમતાજબેનને સુરક્ષિત છોડાવી લીધા હતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલ, અરબાજ નાસીરભાઇ રફાઇ (મેંદરડા), સોનાબેન નાસીરભાઇ રફાઇ (મેંદરડા), નાજીમ નાસીરભાઇ રફાઇ (મેંદરડા), હિનાબેન જાહિદભાઇ ચૌહાણ (ગડુ), રૂકશારબેન મુસ્તાકભાઇ મુરીમા (મેંદરડા), સમીર ઉર્ફે બાદશાહ ઇશુભાઇ સીરમાન (જેતપુર)નામના તમામ છ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ₹80,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને 2 મોટર સાયકલ જપ્ત કર્યા છે.


