ન્યારામાં બનનાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપાઇ લીલીઝંડી
માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
રૂ.3૭.૪૯ કરોડના અંદાજિત ખર્ચે ૫૦ MLD ક્ષમતા ધરાવતા પ્લાન્ટની કામગીરીનું ટેન્ડર પ્રસિધ્ધ : આ યોજનાથી સમય, વિજળી અને પરિવહન પાછળના ખર્ચમાંથી રાહત મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના રહેવાસીઓ માટે પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં જળ વ્યવસ્થાપનને વેગ આપવા માટે ન્યારા ગામ પાસે 37.49 કરોડના અંદાજિત ખર્ચે 50 MLDની ક્ષમતા ધરાવતો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંગેના ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ શહેરના માધાપર, ઘંટેશ્વર અને રેલનગર જેવા વિસ્તારોની અંદાજે 100,000થી વધુ વસતીને શુદ્ધ પાણીની ભેટ મળશે.
હાલની સ્થિતિમાં રાજકોટના આ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે. ‘સૌની યોજના’ અંતર્ગત મળતું કાચું પાણી સૌપ્રથમ ન્યારા ઓફટેક ખાતે લાવવામાં આવે છે પરંતુ, ત્યાં શુદ્ધિકરણની સુવિધા ન હોવાને કારણે આ પાણીને પાઈપલાઈન દ્વારા રૈયાધાર સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. રૈયાધાર ખાતે પાણી શુદ્ધ થયા બાદ, તેને ફરીથી પંપ કરીને ઘંટેશ્વર અને ન્યારા ઓફટેક તરફ લાવવામાં આવે છે, જ્યાંથી સ્થાનિક સ્તરે વિતરણ કરવામાં આવે છે.
આ પ્રક્રિયામાં માત્ર સમયનો જ વ્યય નથી થતો પરંતુ, વીજળી અને પરિવહન પાછળ પણ મોટો ખર્ચ થાય છે. વળી, લાંબી પાઈપલાઈન પ્રક્રિયામાં પાણીના જથ્થામાં ઘટાડો થવાની સંભાવના પણ રહેતી હોય છે. આ બધી ‘કડાકૂટ’ તેમજ ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યારા ખાતે જ ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું છે. નવો પ્લાન્ટ કાર્યરત થતા જ કાચું પાણી સીધું ન્યારા ખાતે જ ફિલ્ટર થઈ જશે અને ત્યાંથી જ સીધું વિતરણ શરૂ કરી શકાશે.
આ હાઈટેક ફિલ્ટરેશન પ્લાન્ટ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે, જે પાણીની શુદ્ધતામાં અનેકગણો વધારો કરશે. 50 MLDની ક્ષમતા આસપાસના વધતા જતા રહેણાંક વિસ્તારોની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી માનવામાં આવી રહી છે. ખાસ કરીને રેલનગર – માધાપર જેવા વિસ્તારો જે ઝડપથી વિકસી રહ્યા છે, ત્યાં ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની અછત અથવા લો-પ્રેશરની સમસ્યામાં આ પ્રોજેક્ટથી રાહત મળશે.
પાણીને રૈયાધાર સુધી ધકેલવા અને ત્યાંથી પાછું લાવવા માટે થતા પંપીંગ ખર્ચમાં ધરખમ ઘટાડો થશે. પાણી શુદ્ધિકરણ સ્થાનિક સ્તરે થવાથી વિતરણના સમયપત્રકમાં વધુ ચોકસાઈ આવશે. આધુનિક ટ્રીટમેન્ટ પ્રોસેસ દ્વારા નાગરિકોને પીવાનું વધુ સુરક્ષિત અને ચોખ્ખું પાણી મળશે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના વિકાસમાં પાયારૂમ બનશે
રાજકોટ મનપા દ્વારા એકતરફ ન્યારા ખાતે 50 MLDના પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પડ્યા છે, બીજી તરફ શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ન્યારી ડેમ પાસે રૂ. 143 કરોડના ખર્ચે બનનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા 150 MLD ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આમ મ્યુ. કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી 25 વર્ષની વસતી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ન્યારા ઓફટેક પાસેનો રૂ. 37.49 કરોડનો આ પ્રોજેક્ટ રાજકોટના ઉત્તર-પશ્ચિમ ઝોનના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.


