- મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આકર્ષણનું કેન્દ્ર
- 18 વર્ષના લિટલ વૉટરે સૌનું ધ્યાન ખેંચ્યુ
- આ વર્ષે પહેલીવાર જ ગયા મતદાન કરવા
મધ્યપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઇને મતદાન ચાલી રહ્યું છે. દરેક નાગરિકની ફરજ છે મતદાન કરવાની. ત્યારે મધ્યપ્રદેશના મંડલામાં ઓછી હાઇટ ધરાવતા પુખ્યવયના વ્યક્તિએ મતદાન કર્યુ જે હાલ ચર્ચામાં છે. કારણ કે તેઓ છે 18 વર્ષના પરંતુ તેમની હાઇટ માત્ર 30 ઇંચ જ છે. જોવામાં નાના બાળક જેવા લાગતા આ વ્યક્તિએ મતદાન કરીને ખુશીની લાગણી અનુભવી હતી.
ખુશીની લાગણી અનુભવી
મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રહેતા કૈલાશ ઠાકુર રાજ્યના સૌથી યુવા મતદાતા માનવામાં આવે છે. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મંડલા વિધાનસભા મતવિસ્તારના એક મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યારે તેઓ મતદાન કેન્દ્ર પર પહોંચ્યો ત્યારે તેણે મોટાભાગના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. અન્ય લોકો પણ તેમનો મતદાન પ્રત્યેનો ઉત્સાહ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ વર્ષે 18 વર્ષ થયા
કૈલાશ ઠાકુર 22 એપ્રિલ 2023ના રોજ 18 વર્ષના થયા જે બાદ તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરાયું. તેમને ચૂંટણીના થોડા દિવસ પહેલા જ વોટર આઈડી કાર્ડ મળ્યું હતું. વોટર આઈડી કાર્ડ મળ્યા બાદ કૈલાશ ઠાકુરે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હું પહેલીવાર મતદાન કરીશ અને હું મારા મતનો ઉપયોગ એક સારી સરકારને પસંદ કરવા માટે કરીશ જે મધ્યપ્રદેશનો વિકાસ કરશે.”
પિતાએ ખુશી વ્યક્ત કરી હતી
કૈલાશ ઠાકુરના પિતા ભુવન લાલ ઠાકુરે કહ્યું, “કૈલાશ બાળપણથી જ કુપોષણનો શિકાર છે, જેના કારણે તેની ઊંચાઈ સામાન્ય લોકો કરતા અલગ છે.” કૈલાશ ખૂબ જ સારી વાત કરે છે, આ કારણે તે આખા ગામનો ફેવરિટ છે. હું ખૂબ જ ખુશ છું કે તે હવે મતદાર બની ગયો છે.
ચૂંટણી અધિકારીએ પણ વખાણ કર્યા હતા
બીજી તરફ, જિલ્લા ચૂંટણી અધિકારી અને મંડલાના કલેક્ટર સલોની સિડાનાએ કૈલાશ ઠાકુરને ખાસ મતદાર ગણાવ્યા છે અને તેમના મતદાન માટેના ઉત્સાહની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર લોકોને શક્ય એટલું મતદાન અંગે જાગૃત કરી રહ્યું છે.