- મધ્યપ્રદેશના સીએમ બન્યા ડૉ.મોહન યાદવ
- મંત્રીમંડળનુ હજી નથી થયુ વિસ્તરણ
- સીએમ યાદવ દિલ્હી પહોંચ્યા હતા
મધ્યપ્રદેશમાં હજુ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી. મોહન યાદવે સીએમ તરીકે શપથ લીધાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કેબિનેટ વિસ્તરણનો મુદ્દો હજુ અટવાયેલો છે. ત્યારે સીએમ મોહન યાદવ દિલ્હી પહોંચ્યા છે. ડૉ.મોહન યાદવ શુક્રવારે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.
પીએમ મોદી-શાહ સાથે કરી મુલાકાત
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને શાહની મુલાકાત દરમિયાન એમપીમાં કેબિનેટના વિસ્તરણને લઈને ચર્ચા થઈ હતી. એમપીના સીએમ બન્યા બાદ મોહન યાદવની પીએમ મોદી સાથે આ પહેલી મુલાકાત છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લા પણ હાજર હતા.
ટ્વિટર પર શેર કરી તસવીર
મોહન યાદવે પીએમ સાથેની તેમની મુલાકાતની તસવીરો X પર પોસ્ટ કરી છે. સીએમએ કહ્યું કે પીએમ મોદીને મળ્યા બાદ તેમણે મધ્યપ્રદેશના વિકાસ, પ્રગતિ અને જનહિત સંબંધિત વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
સાંસદો માટે ડિનર પાર્ટી
આ પહેલા મોહન યાદવે ગઈ કાલે રાત્રે એમપીના ભાજપના સાંસદો માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ડિનર પાર્ટીમાં ભાજપના 26 સાંસદોએ હાજરી આપી હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનો રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા, ભાજપના રાષ્ટ્રીય સહ-સંગઠન પ્રધાન શિવ પ્રકાશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા અને સંગઠન મહાસચિવ હિતાનંદ પણ હાજર હતા.
એમપીના સુધારણા માટે કામ કરીશું- સીએમ યાદવ
ડિનર પાર્ટી પછી સીએમએ કહ્યું કે આજે દિલ્હીમાં મધ્યપ્રદેશના સાંસદો સાથે બેઠક યોજાઈ હતી. સીએમએ કહ્યું કે હું ખુશ છું કે મને તે બધાને મળવાનો મોકો મળ્યો. ચૂંટણી પછી આ પ્રકારની આ પ્રથમ બેઠક હતી. અમે બધા મધ્યપ્રદેશની સુધારણા માટે કામ કરીશું. અને મને આશા છે કે ચૂંટણી બાદ પીએમ મોદીના નેતૃત્વમાં તમામ સાંસદો ફરી એકવાર જીતશે.


