ઈન્દોરના એરપોર્ટ રોડ પર સોમવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ત્યારબાદ લોકોએ ભારે હોબાળો મચાવ્યો છે. વાસ્તવમાં, એક ફૂલ સ્પીડમાં ટ્રક ચાલકે 15થી 20 વાહનોને ટક્કર મારી દીધી છે, જેના કારણે વાહનોમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને બે લોકોની હાલત ગંભીર છે.
ફાયર બ્રિગેડની ટીમે ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું
ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકને રસ્તા પર જ આગ લગાવી દીધી અને હોબાળો મચાવ્યો છે. અકસ્માત અને આગચંપી અંગે માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફાયર બ્રિગેડની ટીમે ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું હતું. ઘટનાસ્થળે પરિસ્થિતિ હજુ પણ તંગ છે. એડિશનલ ડીસીપી પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે હાજર છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અકસ્માત જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા
સાંજે એરપોર્ટ રોડ પર ખૂબ ભીડ હતી, આ દરમિયાન એક ટ્રક ખૂબ જ ઝડપે આવી અને રસ્તા પર ચાલી રહેલા લગભગ 15થી 20 વાહનોને ટક્કર મારી દીધી. આ અચાનક અકસ્માત જોઈને લોકો ગભરાઈ ગયા. રસ્તા પર ચીસો પડી ગઈ. લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી અને ભાગી રહેલા ટ્રકને પકડી લીધો. માહિતી મળતાં જ પહોંચેલી પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી રસ્તા પર પડેલા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘાયલોમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. આ દરમિયાન ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ સામે જ હોબાળો મચાવ્યો હતો.