- એમપીના મનમાં ભાજપ અને મોદીના મનમાં એમપી : વડાપ્રધાન
- મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ચૂંટણી નથી લડી રહી પણ ચૂંટણી લડવાનો ઢોંગ કરી રહી છે
- વડાપ્રધાને સિવનીમાં રેલી કરી હતી અને જનસભાને સંબોધન કર્યું હતું
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મધ્ય પ્રદેશના પ્રવાસે હતાં. શનિવારે વડાપ્રધાને સિવનીમાં રેલી કરી હતી અને જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે એમપીના મનમાં ભાજપ છે અને મોદીના મનમાં એમપી છે. જનતા જનાર્દને મોદીને જીતાડવાની ગેરેન્ટી લીધી છે. અને ફરી એકવાર એમપીમાં ભાજપની સરકાર બનશે. તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ એક અવાજે કહી રહ્યું છે કે ભાજપ છે તો ભરોસો છે, ભાજપ છે તો વિકાસ છે, ભાજપ છે તો વધારે સારું ભવિષ્ય છે. મધ્યપ્રદેશમાંથી એક જ અવાજ સંભળાઇ રહ્યો છે કે ફરી એકવાર ભાજપ સરકાર. આ સાથે વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ચૂંટણી નથી લડી રહી પણ ચૂંટણી લડવાનો ઢોંગ કરી રહી છે. તેમને ખબર છે કે તેમને ચૂંટણી જીતવાની છે જ નહીં. તેમણે આરોપ કર્યો હતો કે કોંગ્રેસ માટે એક પરિવારથી મોટું કોઇ નથી. જ્યાં કોંગ્રેસ સરકાર રહે છે ત્યાં સરકારી યોજનાઓ, માર્ગો, ગલીઓ બધું જ પરિવારના નામે કરી નાખવામાં આવે છે. એમપીના ચૂંટણી ઢંઢેરામાં પણ એક પરિવાર જ દેખાય છે.


