- આગોતરા જામીન છતાં આરોપીને રિમાન્ડ આપવાના કેસમાં ટીકા
- સુરતના કેસમાં એક પણ અધિકારી હાજર ન રહ્યા
- હાઈકોર્ટને પક્ષકાર બનાવી રજિસ્ટ્રાર જનરલને હાજર રહેવા સુપ્રીમનો હુકમ
સુરત શહેરના વેસુ પોલીસમાં નોંધાયેલા છેતરપિંડીના આરોપીએ આગોતરા મેળવ્યા છતાં રિમાન્ડ મેળવી ટોર્ચરિંગ કરવાના ચર્ચાસ્પદ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એવી ગંભીર ટકોર કરી હતી કે, ગુજરાત હાઇકોર્ટ પાસે મોટી એકેડમી હોવા છતાં મેજિસ્ટ્રેટને ટ્રેનિંગ આપવાની જરૂરિયાત છે. સોમવારે સુનાવણી વેળા સુરત પોલીસના એક પણ અધિકારી રહ્યા ન હતા. હવે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટને પણ પક્ષકાર બનાવી 15 દિવસ પછી રજિસ્ટ્રાર જનરલને હાજર રહેવા સુપ્રીમે તાકીદ કરી છે.
કેસની વિગતો મુજબ વેસુ પોલીસ ચોપડે તુષાર શાહ નામના વ્યક્તિની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. તુષાર શાહે સુરતના સ્થાનિક વકીલ દિપેશ દલાલ મારફતે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરીને જામીન મેળવ્યા હતા. કોર્ટે તુષારને 25 હજારના જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો. બીજી તરફ સુરતના વેસુ પીઆઇ રાવલે સુપ્રીમ કોર્ટનો હુકમ છતાં તુષાર શાહને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન આરોપીને માર પણ માર મરાયો હોવાના આક્ષેપો થયા હતા. આરોપીની મેડિકલ તપાસ માટે અરજી કરાઇ હતી. જો કે, તે રદ થઇ હતી. પોલીસ મથકના સીસીટીવી ફૂટેજની માંગ થતા રિમાન્ડ દરમિયાનના ફૂટેજ પણ ડિલીટ કરી દેવાયા હોવાના આક્ષેપો સાથે સુરત પોલીસે સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કર્યો હોવાની સાથે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઇને વેસુ પોલીસ મથકના પીઆઇ, ડીસીપી તેમજ પોલીસ કમિશનરને તા. 29મી જાન્યુઆરીએ ખુલાસા સાથે હાજર રહેવા નોટિસ ઇશ્યૂ કરી હતી.
સુરત પોલીસને માફી આપવાનો સુપ્રીમનો ધરાર ઇનકાર
જોકે, સોમવારે સુનાવણી વેળા સુરત પોલીસના એક પણ અધિકારી સુપ્રીમમાં હાજર રહ્યા ન હતા. સુરત પોલીસ તરફે સોલિસિટર જનરલ તુષાર મહેતા, એસવી રાજુ અને ઐશ્વર્યા ભાટી હાજર રહ્યા હતા. તેઓએ સુરત પોલીસની કામગીરી અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી હતી. જોકે, સુપ્રીમે માફી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
પોલીસતંત્ર તરફથી સુપ્રીમમાં આવી રજૂઆત થઇ
પોલીસ તંત્ર તરફથી સુપ્રીમમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ગુજરાતમાં એવી પ્રથા છે જ કે જેમાં આગોતરા લેનારા આરોપીઓને રિમાન્ડ પણ અગાઉ લેવામાં આવ્યા હોય. ગુજરાતમાં, જ્યારે હાઈકોર્ટ અથવા સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવામાં આવે છે, ત્યારે આદેશમાં સામાન્ય રીતે એવી શરત સામેલ હોય છે કે રિમાન્ડ માટે અરજી કરવાનો પ્રોસિક્યુશનનો અધિકાર ખુલ્લો રહે. હાલના કેસમાં અધિકારીએ ખોટી માન્યતા હેઠળ, રિમાન્ડ મેળવવાનું કામ કર્યુ હતું.


