પ્રયાગરાજની પાવન ભૂમિમાં મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવીને શ્રદ્ધાળુઓ ધન્ય બની રહ્યા છે. મહાકુંભમાં સફાઈ અને સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ હોવાનું અને અહીં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવાથી એક અલગ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ થઈ રહી હોવાનું શ્રદ્ધાળુઓએ જણાવ્યુ હતું.
શ્રદ્ધાળુઓને ન્હાવા માટે સારી વ્યવસ્થા કરાઈ છે
મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચેલા શ્રદ્ધાળુ ધર્મેન્દ્ર જાની અને દિપક પચોરીએ જણાવ્યુ હતુ કે, મહાકુંભમાં રહેવા માટેની સારી વ્યવસ્થા છે. સફાઈનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોઈ કચરો ફેંકે એટલે સાફ કરવા માટે અન્ય સફાઈ કર્મચારી આવી જાય છે. ન્હાવા માટે વ્યવસ્થા કરાઈ છે. પાણી બહુ જ સ્વચ્છ અને નિર્મળ છે. એકદમ ધીમી ધારાથી પાણી ખળખળ વહે છે. સલામતી વ્યવસ્થા અંગે તેઓએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મહાકુંભમાં સલામતી વ્યવસ્થામાં જે કોઈ ચાર રસ્તો હોય ત્યાં પોલીસ હોય છે.
હેલીકોપ્ટર મારફતે મહાકુંભ મેળાની નિગરાની
જ્યા કાર કે ગાડી ટર્ન લે છે, ત્યાં પોલીસનો પોઈન્ટ હોય છે .કોઈ વાદ, વિવાદ નથી. ઝઘડો નથી શ્રદ્ધાળુઓમાં સ્વયંમશિસ્તના દર્શન થઈ રહ્યા છે. અહીં હેલીપેડની અને પેરાગ્લાઈડની વ્યવસ્થા પણ છે. હેલીકોપ્ટર મારફતે મહાકુંભ મેળાની નિગરાની થઈ રહી છે. ભીડ વધારે છે. માર્ગ પર ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિકને મેનેજ કરવા પોલીસ સજ્જ છે. પ્રાઈવેટ વાહનોની સંખ્યા વધારે છે. રાજસ્થાન, મુંબઈ, ગુજરાત, ઉત્તરપ્રદેશથી શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવ્યા છે.
હોડીવાળા વધુ ચાર્જ વસુલતા શ્રદ્ધાળુઓમાં નારાજગી
પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે હોડી મારફતે સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓને લઈ જવામાં આવે છે. હોડી વાળા ત્રિવેણી સંગમ લઈ જવા માટે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ચાર્જ કરતા વધુ રકમ પડાવતા હોવાથી શ્રદ્ધાળુઓમાં નારાજગી ફેલાઈ છે. હોડીવાળા લોકો શ્રદ્ધાળુઓ પાસેથી વધારે પૈસા પડાવે છે, તેવી અનેક ફરિયાદ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે.