ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના કેમ્પસમાં ગાંજા-ગોગા પેપરનો જથ્થો મળ્યો
ક્રિકેટ ગ્રાઉન્ડમાં નશાનું સેવન કરતા શખ્સો NSUIએ રેડ કરતા ભાગ્યા
દારૂની બોટલો મળી : સુરક્ષા એજન્સી સામે ઉભા થયેલા સવાલો
અગ્ર ગુજરાત, વડોદરા
એકબાજુ રાજ્ય સરકાર અને પોલીસ પ્રસાશન દ્વારા નશીલા પદાર્થોના સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનાગરમાં સરકાર અને પોલીસની કામગીરીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખે મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી ભાવનગર શહેરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસમાં રેડ કરી હતી. આહીં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક અવાવરું સ્થળ પર તપાસ કરતા દારૂ-ગાંજાનો નશો થતો હોવાનું સામે આવ્યું છે.
રેડ દરમિયાન સ્થળ પર વિદ્યાર્થીઓ નશીલા પદાર્થનું વેશન કરતા હતાં. જ્યારે NSUI સ્થળે પહોંચ્યું તો નશો કરનારા નાસી છૂટ્યા હતાં. તપાસ દરમિયાન એક બાઈકમાંથી અંદાજિત 150/200 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. તે સ્થળેથી 20થી વધુ દારૂની ખાલી બોટલો, તેમજ નશીલા પદાર્થનું સેવન કરવા વપરાતા ગોગોપેપર સહિતની વસ્તુઓ મળી આવી હતી, સમગ્ર બનાવ અંગે NSUI દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને પંચનામાં સહિતની કાર્યવાહી શરૂ કરી હતી.
અહીં મોટો પ્રશ્ન એ છે કે, આ શિક્ષાના મંદિરમાં વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે અને તે નશાના રવાડે ચડતા હોય છે, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં નશીલા પદાર્થનો પ્રવેશ કેમ થયો? એ સોથી મોટો સવાલ ઉભો થયો છે. જ્યારે આ મુદ્દે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ બનાવને સ્વીકારી સાથે બચાવ પણ કર્યો હતો.
ગુજરાતમાં નશાનું પ્રમાણ વધ્યું
અંગે ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્તના પ્રોગ્રામ કરવામાં આવી રહ્યાં છે, તેના માધ્યમથી આજે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટ્રકશનનો પ્રોગ્રામ હતો. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ યુનિવર્સિટી કેમ્પસની અંદર ખુલ્લેઆમ દારૂ-ગાંજાનું સેવન થઈ રહ્યું છે.
સિક્યુરિટી એક જગ્યાએ ઉભી રહે એવું શક્ય ન બનેઃ કુલપતિ
આ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ભરત રામાનુજએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે, એ આપણા સૌ માટે ગંભીર બાબત છે. આવું ન થવું જોઈએ. એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે, પરંતુ આવડું મોટું 200 એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય જ્યાં નિયમિત અવરજવરની વ્યવસ્થા ન રહેતી હોય. 24 કલાકની અંદર સિક્યુરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યુરિટી 24 કલાક ઉભી હોય એવું શક્ય પણ ન બને. આમ છતાં અમે એની કાળજી રાખીશું. મને માહિતી મળી છે કે, કોઈ જગ્યા એ કોઈ વિદ્યાર્થી સ્કૂટર ઉપર બેઠો હશે અને એક યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા એટલે એ લોકો ભાગી ગયા. એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે. એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ બનવા જોગ છે અને બન્યું પણ હોય અને સાચી વાત પણ હોય. પણ કોઈ આવીને આ કેમ્પસની અંદર સ્કૂટર લઈને બેઠું હોય તો નજર પણ ન હોય, સિક્યુરિટીનું ધ્યાન પણ ન હોય. આમ છતાં જેવી જ આ ખબર પડી, એટલે અમે તાત્કાલિક તે આખો વિસ્તારમાં સાફ-સફાઈ થાય અને સિક્યુરિટીને કડક ધ્યાન રાખવાની સૂચના તાત્કાલિક આપી દીધી છે. ફરીવાર યુનિવર્સિટીનો જે કંઈ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર સિક્યુરિટી વધારી અને આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું.


