ચૂંટણી આવે એટલે અનેક વિવાદો સામે આવતા હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ અંબરનાથ શહેરમાં ગોળીબારની ઘટના સામે આવતા રાજકીય માહોલમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર પવન વાલેકરના ચૂંટણી કાર્યાલયને નિશાન બનાવીને અજાણ્યા બદમાશોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
મધરાતે બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ
આ ઘટના બુધવારની રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ અંબરનાથ પશ્ચિમના નવીન ભેંડી પાડા વિસ્તારમાં બની હતી. તે સમયે પવન વાલેકર તેમના સ્ટાફ સાથે કાર્યાલયમાં હાજર હતા. અચાનક મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઓફિસ તરફ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગોળીઓ કાર્યાલયના કાચ પર વાગતાં અંદર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
સુરક્ષા ગાર્ડ ઘાયલ, ઉમેદવાર સુરક્ષિત
ગોળીબાર દરમિયાન કાર્યાલયમાં ફરજ પર તૈનાત એક સુરક્ષા ગાર્ડને આંગળીમાં ગોળી વાગતા ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે ભાજપ ઉમેદવાર પવન વાલેકર અને અન્ય સ્ટાફ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
CCTVમાં કેદ થઈ ઘટના
આ સમગ્ર ઘટનાનો વીડિયો કાર્યાલયમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયો છે. પોલીસે ફૂટેજ કબજે કરીને હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. DCPએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બે અજાણ્યા શકમંદોએ ગોળીબાર કર્યો હોવાની પુષ્ટિ થઈ છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે ત્રણ અલગ અલગ તપાસ ટીમો બનાવેલી છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચની એક ખાસ ટીમ પણ સમાંતર તપાસ કરી રહી છે. આરોપીઓના ભાગી જવાના રસ્તા, હેતુ અને પાછળની રાજકીય પૃષ્ઠભૂમિ સહિત તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીની રેલીને લઈ સુરક્ષા વધારાઈ
આ વચ્ચે, અંબરનાથ વિસ્તારમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રસ્તાવિત જાહેર સભાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. શહેરમાં 800 પોલીસકર્મીઓ, 400 હોમગાર્ડ્સ અને 110 વરિષ્ઠ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. નાકાબંધી, સતત પેટ્રોલિંગ અને સીસીટીવી દેખરેખ વધારી દેવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
આ પણ વાંચો : Delhi : રાજધાની દિલ્હીની હવા બની વધુ ઝેરી, ચારે તરફ છવાયુ ગાઢ ધુમ્મસ, વિઝિબલિટી ઝીરો


