મહારાષ્ટ્રના જલગાંવમાં 22 જાન્યુઆરી બુધવારે સાંજે લખનૌથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસના મુસાફરો સાથે એક મોટો અકસ્માત થયો. ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઇ હતી. જેથી લોકો ડરના માર્યા જીવ બચાવવા માટે અચાનક જ ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા. જો કે આ સમય દરમિયાન જ બાજુના ટ્રેક પર આવી રહેલી ટ્રેને ઘણા મુસાફરોને કચડી નાંખ્યા. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. ત્યારે આ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.
કોણે ફેલાવી અફવાહ?
ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાહ ફેલાઇ હતી. આ અફવા કોણે ફેલાવી તે વિશે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એક મુસાફરે જણાવ્યું કે અફવા એક ચા વેચનાર દ્વારા ફેલાવવામાં આવી હતી. અકસ્માતના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક ચા વેચનાર વ્યક્તિએ અફવા ફેલાવી કે ટ્રેનમાં આગ લાગી છે. આ પછી ટ્રેનની અંદર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ચા વેચનારે જ સાંકળ ખેંચી લીધી. જ્યારે ટ્રેન ધીમી પડવા લાગી, ત્યારે મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી ઉતરવાનું શરૂ કરી દીધુ હતું.
પ્રત્યક્ષદર્શીએ આગળ કહ્યું કે કેટલાક લોકો બેંગ્લોર એક્સપ્રેસ જ્યાંથી પસાર થઈ રહી હતી તે ટ્રેક પર કૂદી પડ્યા અને કચડાઈને મૃત્યુ પામ્યા. સેંકડો લોકો બીજી બાજુ કૂદી પડ્યા, જ્યાં કોઈ ટ્રેક નહોતો. જો તેઓ આ બાજુ કૂદી પડ્યા હોત, તો તેનાથી પણ વધુ લોકો મરી ગયા હોત.
સહાયની કરી છે જાહેરાત
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ બે ચા વેચનારાઓ દ્વારા અફવા ફેલાવવામાં આવતા આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર પણ આ મામલે એક મહત્વપૂર્ણ બેઠક કરી રહી છે. રેલવે પોલીસની સાથે હવે મહારાષ્ટ્ર પોલીસ પણ આ ટ્રેન અકસ્માતની તપાસ કરશે. રેલવે બોર્ડે મૃતકોના પરિવારજનોને 1.5 લાખ રૂપિય તથા ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 50,000 રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 5,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
શું ખરેખર આગ લાગી હતી ?
આ ઘટનાને લઇને પીએમ મોદીએ મુસાફરોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને કહ્યું કે તેમણે મુખ્યમંત્રી ફડણવીસ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. જ્યારે એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ પુષ્પક એક્સપ્રેસના કોચમાં હોટ એક્સલ અથવા બ્રેક બાઈન્ડિંગને કારણે તણખા અને ધુમાડો નીકળ્યો હતો, જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા.