મહારાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે, ત્યારે હવે હવામાન વિભાગે મુંબઈવાસીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર પટ્ટો ઉત્તર તરફ આગળ વધી ગયો છે અને અરબી સમુદ્રમાં બનેલો ચક્રવાતી હવામાન ગુજરાત તરફ વળી રહ્યો છે. આને કારણે આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહેશે.
રાજ્યભરમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા
છેલ્લા 4 દિવસમાં ભારે વરસાદે મુંબઈ, પૂણે, મરાઠવાડા અને વિદર્ભમાં તબાહી મચાવી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક પ્રાણીઓના મોત થયા છે. ઘણી જગ્યાએ ઘરો તૂટી પડ્યા છે અને પાકને ભારે નુકસાન થયું છે. ડેમ વિસ્તારમાં પાણીના સ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે ઘણા ડેમમાંથી મોટાપાયે પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીઓ પૂરની સ્થિતિમાં છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
મુંબઈ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં 23 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે. કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 23થી 24 ઓગસ્ટ દરમિયાન વિદર્ભના યવતમાળ, વર્ધા, નાગપુર, ભંડારા, ચંદ્રપુર, ગોંડિયા અને ગઢચિરોલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 25 ઓગસ્ટથી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફરી વરસાદ વધી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહી શકે છે.
આગામી 5 દિવસ માટે કરાઈ આગાહી
21 ઓગસ્ટે પૂણે અને સતારા ઘાટમાથા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. રત્નાગિરિ, રાયગઢ, થાણે, પાલઘર અને નાસિક ઘાટમાથા માટે દિવસભર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. 22 ઓગસ્ટે રાયગડ, રત્નાગિરિ, પૂણે અને સતારા ઘાટમાથા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 23 ઓગસ્ટે રાયગડ, રત્નાગિરિ, પૂણે ઘાટમાથા અને વિદર્ભના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર રહેશે. 24 ઓગસ્ટે રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પુણે ઘાટમાથા અને વિદર્ભ જિલ્લામાં યલો એલર્ટ રહેશે. 25 ઓગસ્ટે સિંધુદુર્ગ, રત્નાગિરિ, રાયગઢ અને કોલ્હાપુર ઘાટમાથામાં યલો એલર્ટ રહેશે. પૂણે અને સતારા ઘાટમાથામાં ભારે વરસાદની શક્યતા છે, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર-પાંચ દિવસ સુધી રાજ્યમાં મોટાભાગના સ્થળોએ વરસાદની તીવ્રતા ઓછી થશે, પરંતુ પશ્ચિમ ઘાટ વિસ્તારો અને વિદર્ભમાં તકેદારી રાખવી જરૂરી છે.


