મહાશિવરાત્રિના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે ભાંગ અને ધતૂરો ચઢાવવામાં આવે છે. આ દિવસે માટીના વાસણમાં પાણી ભરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ તથા બીલીપત્ર, આકડા-ધતૂરાનું ફૂલ, ચોખા વગેરે શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. જો નજીકમાં ક્યાંય શિવાલય ન હોય તો માટીનું શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવાનું વિધાન છે. મહાશિવરાત્રિના દિવસે રાત્રિના સમયે શિવપુરાણ સાંભળવું જોઈએ.
ભગવાન શંકરને પ્રલયના દેવતા માનવામાં આવે છે, પરંતુ તેઓ ખૂબ જ ભોળા છે. તેઓ થોડી ભક્તિથી પણ ખુશ થઈ જાય છે અને એટલે જ શિવજી સંસારના દરેક પ્રાણી માટે પૂજ્ય છે. શિવનો અર્થ છે કલ્યાણ. શિવજી સૌનું કલ્યાણ કરનારા છે. મહાશિવરાત્રિ શિવજીની પ્રિય તિથિ છે. શિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનું મહાપર્વ છે. ત્રણે ભુવનની અપાર સુંદરી માતા ગૌરીને અર્ધાંગિની બનાવનાર શિવ હંમેશાં પ્રેતો અને પિશાચોથી ઘેરાયેલા રહે છે. તેમનું સ્વરૂપ ખૂબ જ ભયાનક લાગે તેવું છે. તેમણે શરીર પર સ્મશાનની ભસ્મ લગાવેલી છે. ગળામાં સાપનો હાર છે, કંઠમાં વિષ ધારણ કર્યું છે. જટાઓમાં જગતતારિણી પાવન ગંગા અને ચંદ્રને ધારણ કર્યાં છે. તેઓ અર્ધનારીશ્વર હોવા છતાં કામજિત છે. ગૃહસ્થ હોવા છતાં પણ સ્મશાનવાસી અને વૈરાગી છે. સૌમ્ય હોવા છતાં પણ ભયંકર રુદ્ર છે.
મહાશિવરાત્રિની કથા
મહાશિવરાત્રિના દિવસે શિવજીનું વ્રત રાખવામાં આવે છે. તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધર્મગ્રંથો પ્રમાણે કથા આ પ્રમાણે છે.
વારાણસી નગરીમાં એક પારધી રહેતો હતો. તેનું નામ ગુરુદ્રુહ હતું. વનનાં પ્રાણીઓનો શિકાર કરીને તે પોતાના ઘરનું ભરણ-પોષણ કરતો હતો. એક દિવસ શિકાર માટે વનમાં ગયો. આખા દિવસ દરમિયાન કોઈ શિકાર ન મળ્યો અને રાત થઈ ગઈ. તેણે નજીકમાં સરોવર જોઈને વિચાર્યું કે કોઈ ને કોઈ પ્રાણી અહીં પાણી પીવા જરૂર આવશે ત્યારે તેનો શિકાર કરીશ. આમ વિચારી પાણીનું પાત્ર ભરીને તે એક વૃક્ષ પર ચઢી ગયો. તે વૃક્ષ બીલીપત્રનું હતું અને નીચે એક શિવલિંગ હતું. તેણે શિકારની રાહ જોતાં સમય પસાર કરવા વૃક્ષ પરથી બીલીપત્ર તોડીને નીચે શિવલિંગ પર નાખ્યાં.
થોડીવાર પછી એક મૃગલી પાણી પીવા આવી. પારધીએ તેને મારવા માટે ધનુષ પર તીર ચઢાવ્યું. આ દરમિયાન બીલી વૃક્ષનાં પાન શિવલિંગ પર પડ્યાં. આ રીતે રાત્રિના પહેલા પ્રહરમાં અજાણતાં જ શિવપૂજા થઈ ગઈ. મૃગલીએ પારધીને જોઈ લીધો અને તે કહેવા લાગી કે, `મારાં બાળકો મારી રાહ જોઈ રહ્યાં છે. હું તેમને મળીને તરત જ પાછી આવી જઈશ, માટે મને અત્યારે ન મારશો.’ પારધીને મૃગલી પર દયા આવી અને તેને વચન પર મુક્ત કરી. થોડીવાર પછી મૃગલીને શોધવા માટે ત્યાં એક મૃગલો આવ્યો. તેને મારવા માટે પારધીએ ધનુષ પર બાણ ચઢાવ્યું. જેથી રાત્રિના બીજા પ્રહરમાં બીલીનાં કેટલાંક પાન શિવલિંગ પર પડ્યાં. મૃગલો પણ પારધીને જોઈ ગયો. તેણે પારધીને આજીજી કરી કે, `હું મારાં બાળકો અને પત્નીને મળીને સીધો અહીં જ આવીશ, પછી તમે મારો શિકાર કરજો.’ પારધીએ મૃગલાના વચન પર વિશ્વાસ કરીને તેને પણ જવા દીધો. તે મૃગલી અને મૃગલાની રાહ જોઈ રહ્યો હતો તેવામાં જ મૃગનાં બે બચ્ચાં ત્યાં પોતાનાં માતા-પિતાને શોધવા આવ્યાં. પારધીએ ફરી ધનુષ પર બાણ ચઢાવ્યું. વૃક્ષ પરથી શિવલિંગ પર બીલીપત્રો પડ્યાં અને ત્રીજા પ્રહરની શિવપૂજા થઈ ગઈ. મૃગનાં બચ્ચાંઓએ પણ પારધીને વિનંતી કરી કે, `અમારાં મા-બાપ અમને શોધી રહ્યાં હશે. અમે નહીં મળીએ તો તેઓ વિહ્વળ બની જશે, તેથી અમને જવા દો. માતા-પિતાને મળીને અમે અહીં જ આવશું. પછી તમે અમારો શિકાર કરજો.’ પારધીએ મૃગનાં બચ્ચાંઓને પણ વચન પર મુક્ત કર્યાં. જ્યારે મૃગ પરિવાર મળ્યો ત્યારે બધાએ શિકારીને આપેલા વચનની વાત એકબીજાને કરી. એકબીજાને મળી લીધા પછી આખો મૃગ પરિવાર પોતાનું વચન પાળવા માટે તે શિકારી પાસે ગયો. શિકાર માટે આટલાં બધાં મૃગ જોઈને તે ખુશ થઈ ગયો. તેણે ફરીથી ધનુષ પર બાણ ચઢાવ્યું અને બીલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યાં. આ રીતે ચોથા પ્રહરની પૂજા પણ થઈ ગઈ.
આ રીતે ગુરુદ્રુહ પારધી આખો દિવસ ભૂખ્યો રહ્યો, જેથી ઉપવાસ થઈ ગયો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેના પાણી ભરેલા પાત્રમાંથી થોડું થોડું જળ પણ શિવલિંગ પર પડ્યા કરતું હતું, જેથી શિવલિંગ પર જળાભિષેક થઈ ગયો. ચારે પ્રહરમાં અજાણતાં જ બીલીપત્ર શિવલિંગ પર પડવાથી શિવજીની પૂજા થઈ ગઈ. શિકારની રાહ જોવામાં રાત્રિ જાગરણ પણ થઈ ગયું. આ રીતે અજાણતાં પણ પારધીએ મહાશિવરાત્રિનું વ્રત કર્યું. તેના પ્રભાવથી તેનાં બધાં જ પાપ ભસ્મ થઈ ગયાં. તેનામાં પુણ્યોદય થતાં જ તેણે મૃગ પરિવારને મારવાનો વિચાર ત્યાગી દીધો. તે જ સમયે શિવલિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને તેમણે ગુરુદ્રુહને વરદાન આપ્યું કે, `ત્રેતાયુગમાં ભગવાન રામ તારા આંગણે આવશે અને તારી સાથે મિત્રતા કરશે, ત્યારે તને મોક્ષ પ્રાપ્ત થશે.’
આ રીતે ભગવાન શંકર અજાણતાં જ થઈ ગયેલા વ્રતથી પ્રસન્ન થાય તેવા ભોળા છે.
મહાશિવરાત્રિનું મહત્ત્વ
શિવપુરાણમાં વર્ણન છે કે શિવજીના નિરાકાર સ્વરૂપનું પ્રતીક શિવલિંગ મહા વદ ચૌદશ તિથિ એટલે કે મહાશિવરાત્રિએ મહાનિશામાં પ્રગટ થયું હતું. આ શિવલિંગનું સૌથી પહેલું પૂજન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જ કારણસર આ તિથિ મહાશિવરાત્રિના નામથી પ્રસિદ્ધ છે.
પ્રાચીન કથાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે જ ભોળાનાથ શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. નર, ઋષિ-મુનિ, ભૂત-પિશાચ, અસુર ગણો સાથે જાન લઈને શિવજી માતા પાર્વતી સાથે વિવાહ કરવા ગયા હતા. શિવજીની દૃષ્ટિમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો સમાન હતા. તેઓ તો તેને પણ પ્રેમ કરે છે જેનો સમાજે બહિષ્કાર કર્યો છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર પર જે બીલીપત્ર અને ભાંગ ચઢે છે તે શિવજીની એકસમ ભાવનાને જ દર્શાવે છે. ભોળાનાથ એવો સંદેશ આપે છે કે, `જે મને સમર્પિત છે, હું તેનો થઈ જાઉં છું.’ ભોળાનાથના વિવાહ મહાશિવરાત્રિના દિવસે થયા હોવાથી તેના ઉત્સવના ભાગરૂપ રાત્રે શિવજીની જાન કાઢવામાં આવે છે. એ દિવસે શિવ-પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. બીજા દિવસે સવારે જવ, તલ, ખીર અને બીલીપત્રથી હવન કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની મધ્ય રાત્રિએ ભગવાન શંકરનું બ્રહ્મા દ્વારા રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. પ્રલયની વેળાએ આ જ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતાં કરતાં બ્રહ્માંડને ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી દે છે, તેથી જ મહાશિવરાત્રિને કાલરાત્રિ પણ કહેવામાં આવે છે. – પ્રશાંત પટેલ
મહાશિવરાત્રિનો વ્રત મહિમા
– સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, `હે દેવી, જે પણ ભક્ત શિવરાત્રિના દિવસે ઉપવાસ કરે છે, તેનો ક્યારેય ક્ષય થતો નથી અને હું તેને મારો દિવ્ય ગણ બનાવું છું. તે બધા જ મહાભોગો ભોગવીને છેલ્લે મોક્ષ પામે છે.’
– ઈશાન સંહિતા અનુસાર મહાશિવરાત્રિ અને દરેક શિવરાત્રિનું વ્રત તમામ પ્રકારનાં પાપોનું શમન કરે છે. તે મનુષ્યનાં બારથી ચોવીસ વર્ષોનાં પાપોનો નાશ કરે છે. આ વ્રત મનુષ્યોને ભક્તિ-મુક્તિ આપનારું છે. જે પણ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે અખંડિત વ્રત કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા તે શિવની સાથે આનંદ કરે છે. જે પુરુષ વ્રત ન કરવા છતાં પણ કોઈ વિશેષ ઉદ્દેશથી શિવરાત્રિના દિવસે જાગરણ કરે છે તેને વ્રત કર્યાનું જ ફળ મળે છે.
– તમામ શાસ્ત્રોમાં મહાશિવરાત્રિ અને શિવરાત્રિના વ્રતને સૌથી ઉત્તમ જણાવાયું છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વ્રત પરમ મંગલમયી અને દિવ્યતાપૂર્ણ છે. તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં મહાશિવરાત્રિનું વ્રત `વ્રતરાજ’ના નામથી વિખ્યાત છે અને ચારેય પુરુષાર્થો આપનારું કહેવાયું છે. શક્ય હોય તો આ વ્રત જીવનપર્યંત કરવું જોઈએ અથવા 14 વર્ષ સુધી કર્યા પછી સંપૂર્ણ વિધિ-વિધાનપૂર્વક તેનું ઉદ્યાપન કરવું જોઈએ.