શ્રાવણ માસ પછી શિવજીને પ્રસન્ન કરવાનો બીજો અવસર મહાશિવરાત્રી છે. મહા વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રીની મધ્ય રાત્રિએ શિવલિંગ પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શિવાલયો બમ બમ ભોલે અને ૐ નમ: શિવાયના નાદથી ગુંજી ઊઠે છે. ભક્તો નિર્જળા ઉપવાસ, અભિષેક, જપ-પૂજન કરીને શિવજીની કૃપા મેળવે છે.
મહાશિવરાત્રીની સાથે પારધીની કથા જોડાયેલી છે, જે ખૂબ જ પ્રચલિત છે. તે સિવાય એક કિંવદંતી એવી છે કે એક વખત શિવલોકમાં ભક્તોથી ઘેરાયેલા શિવજીએ સર્વ ભક્તોને વરદાન માગવા કહ્યું, તેથી એક ભક્તે કહ્યું, `ભોળાનાથ, હું આપનાં દર્શન મૃત્યુલોકમાં થાય તેમ ઈચ્છું છું. આપ ક્યારે અને કેવી રીતે દર્શન આપશો?’
સ્વર્ગનું સુખ અર્પણ કરનારું વ્રત : મહાશિવરાત્રી
તેનો ઉત્તર આપતાં ભગવાન શંકરે કહ્યું, `મહા વદ ચૌદશની મધ્યરાત્રિએ હું મૃત્યુલોકમાંના પ્રત્યેક શિવલિંગમાં પ્રવેશ કરીશ. આ સમયે કોઈ પણ પ્રાણી મારી વિધિવત્ પૂજા કરે, ઉપવાસ કરે, જાગરણ કરે અને યેનકેન પ્રકારેણ મને પ્રસન્ન કરે, તો તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે.’
ભગવાન શંકર જ્ઞાન, વૈરાગ્ય તથા સાધુતાના પરમ આદર્શ કહેવાય છે. તેઓ ભયંકર રુદ્રરૂપ છે, તો સાથે સ્વભાવે ભોળા પણ છે. દુષ્ટ દૈત્યોના સંહારમાં કાલરૂપ છે, તો દિન-દુખિયાની મદદ કરવામાં તેઓ એટલા જ દયાળુ છે. જો સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે અને ભોળાનાથ પ્રસન્ન થાય તો માનવીનો બેડો પાર થઈ જાય. જેણે શંકરને પ્રસન્ન કર્યા તેને મનોવાંછિત ફળ મળે છે. તેમની દયાનો કોઈ પાર નથી, તેમનો ત્યાગ અનુપમ છે. અન્ય બધા જ દેવતા સમુદ્રમંથનમાંથી નીકળેલાં લક્ષ્મી, કામધેનુ, કલ્પવૃક્ષ અને અમૃત લઈ ગયાં, પરંતુ તેમાંથી નીકળેલું વિષ તેઓ પી ગયા અને નીલકંઠ બની ગયા. ભગવાન એકપત્નીવ્રતના અનુપમ આદર્શ છે. ભગવાન શંકર જ સંગીત અને નૃત્યકલાના આદિ આચાર્ય છે. તાંડવ નૃત્ય કરતી વખતે તેમના ડમરુંમાંથી સાત સ્વરોનો પ્રાદુર્ભાવ થયો. તેમના તાંડવ નૃત્યથી જ કલાનો પ્રારંભ થાય એવું કહેવામાં જરા પણ ખોટું નથી. ત્ર્યંબકમ્ યજામહે શિવ ઉપાસનાનો વેદમંત્ર છે. ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી પહેલાં શિવમંદિરોનો ઉલ્લેખ જ જોવા મળે છે. જ્યારે ભગવાન શ્રી રામે લંકા ઉપર ચઢાઈ કરી ત્યારે સૌથી પહેલાં રામેશ્વરમાં તેમણે ભગવાન શિવની સ્થાપના અને પૂજન કર્યું હતું.
કેવી રીતે કરવું શિવપૂજન?
બધાં જ ભોળાનાથને રિઝવવા ઈચ્છતાં હોય છે અને તે માટેનો સૌથી મહત્ત્વનો દિવસ શિવરાત્રી આવી રહ્યો છે. નીચે પ્રમાણે જણાવેલી પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતા પામી શકાય છે.
- શિવરાત્રીના દિવસે પ્રાત:કાળે ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળા સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલાં ન હોય તેવાં કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો.
- સુંદર, સ્વચ્છ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો, દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન વગેરે લો.
- આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.
- શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો. પુષ્પ ચઢાવો. હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો.
- ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને `ૐ નમ: શિવાય’ મંત્ર બોલતાં બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.
ભોળાનાથ ખૂબ જ ભોળા છે, આથી તેમની સાચા મનથી પૂજા કરવામાં આવે તો પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કોઈ વિશે, મંત્રોચ્ચાર ન જાણતા હો તો પણ સામાન્ય પૂજા કરીને પુણ્યફળ પ્રાપ્ત કરી શકો છો. ભગવાન ભોળાનાથે સ્વયં કહ્યું છે કે કોઈ પણ વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પૂરી શ્રદ્ધાથી જે મને પુષ્પ, ફળ કે જળ સમર્પિત કરે છે તેમના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને તે ભક્ત પણ ક્યારેય મારી દૃષ્ટિથી ઓઝલ નથી હોતો.
મહાશિવરાત્રીની ઉજવણી સમગ્ર ભારતમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભોળાનાથને ભાંગ ચઢાવીને પોતે પ્રસાદ લે છે. આખી રાત શિવપૂજન કરાય છે અને ભજન ગવાય છે.
મહાશિવરાત્રીની વ્રતકથા
મહાશિવરાત્રીના દિવસે નિર્જળા ઉપવાસ અને અભિષેક કરનાર વ્રતી પર ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને સ્વર્ગનું સુખ અર્પણ કરે છે. મહાશિવરાત્રીનું વ્રત અજાણતા પણ થઈ જાય તો પુણ્યફળ પ્રાપ્ત થાય છે. વ્રતીએ મહાશિવરાત્રીની વ્રતકથા પણ કરવી જોઈએ. જે આ પ્રમાણે છે.
`ગુરુદુહ’નામે એક પારધી જંગલમાં રહેતો હતો. તે શિકાર કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો. શિવરાત્રીના દિવસે તે ધનુષ્ય-બાણ લઈ શિકાર કરવા નીકળ્યો, પણ કંઈ શિકાર મળ્યો નહીં. આખરે પારધીએ વિચાર્યું કે રાત્રીના સમયે સસલાં અથવા હરણાં જરૂર જળાશય પર પાણી પીવા આવશે ત્યારે મને જરૂર પર્યાપ્ત પ્રમાણમાં શિકાર પ્રાપ્ત થશે. તે પીવાના પાણીની ભંભલી ભરી તલાવડીના કાંઠે બીલીપત્રનું વૃક્ષ હતું તેના પર સંતાવા અને રાતવાસો કરવા ચઢી ગયો.
થોડી વાર પછી એક મૃગ પાણી પીવા આવ્યું. પારધીએ ધનુષ્ય-બાણ ચડાવવા તૈયારી કરી તે વખતે ભંભલી સહેજ ત્રાંસી થઈ અને તેમાંથી પાણી ટપકી નીચે પડવા લાગ્યું. વળી થોડાં બીલીપત્ર તૂટી પડવાથી નીચે ખરી પડ્યાં. રાત્રીના બીજા પ્રહરે મૃગલી પાણી પીવા આવી અને તે ધનુષ્ય-બાણ લઈ સજ્જ થયો. મૃગલીને વાચા થઈ, તે બોલી ઊઠી, `હે શિકારી, મારે પણ તારી માફક નાનું એવું કુટુંબ છે, નાનાં બચ્ચાં છે, મને હમણાં મારતો નહીં. હું ઘરે જઈ તેમના ખાવાપીવાનો પ્રબંધ કરી પાછી આવું પછી મને મારજે.’
મૃગલીનાં કાકલુદીભર્યાં વચનો સાંભળી પારધીને પોતાનો પરિવાર યાદ આવી ગયો. તે વિહવળ બની ગયો અને મૃગલીને હા પાડી બેઠો.
રાત્રીનો બીજો પ્રહર પણ પસાર થઈ ગયો. પારધી પોતાની મૂર્ખાઈ પર રોષે ભરાઈને વધુ ઝડપથી બીલીપત્ર તોડી તોડીને મૃગલી પર ખીજ કાઢવા લાગ્યો. ક્રોધાવેશમાં તે પાણી પણ પી શક્યો નહીં.
આ પ્રકારે આખી રાત પસાર થઈ ગઈ. વણવપરાયેલ પવિત્ર જળ ભાંભલીમાંથી નીચે ટપક્યા કર્યું અને ગુસ્સે ભરાયેલા પારધીએ પોતાનો ગુસ્સો બીલીપત્ર પર ઠાલવી બીલીપત્રો નીચે અજાણતાં ફેંક્યાં કર્યાં. આ બિલ્વવૃક્ષ નીચે `શિવલિંગ’ હતું. પારધીનાં સદ્ભાગ્યે વર્ષોથી અપૂજ અને પાંદડાંઓથી ઢંકાયેલ ભગવાન ભોળાનાથનું સ્વરૂપ હતું.
યોગાનુયોગ શિવલિંગ પર જળ અને બીલીપત્રો પડ્યાં. વળી તે દિવસે શિવરાત્રી હતી. પારધી દ્વારા શિવપૂજા અને વ્રત આપોઆપ થઈ ગયાં. તે પાપમુક્ત થયો. અનાયાસે દાદા શંકરનો અભિષેક થઈ ગયો. આ અભિષેકનું અનેકગણું પુણ્ય પ્રાપ્ત થયું. વળી પારધીએ મોંમાં અન્નનો દાણો કે પાણીનું ટીપું સુધ્ધાં નાખ્યું ન હતું. આથી અજાણ્યે પણ તદ્દન નિર્જળા ઉપવાસ થઈ ગયો. ભગવાન શંકર તો આમેય ભોળિયા દેવ જ ગણાય છે. પારધીથી અજાણ્યે પણ નિર્જળા શિવરાત્રી થઈ ગઈ. પ્રાત:કાળે મૃગલી પોતાનાં બચ્ચાં સાથે અહીં આવી અને બોલી, `ભાઈ, હવે અમે બધાં મરવા તૈયાર છીએ.’
પારધીના દિલમાં આ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ઊભરાયો, એના દિલમાં અહિંસા અને દયા પ્રગટી. આ મૂક પ્રાણીની સચ્ચાઈ અને સમર્પણ ભાવના નિહાળી એની આંખો અશ્રુભીની બની અને પારધી હરણાંને પ્રેમથી પંપાળી રહ્યો. પારધી અને પ્રાણી પ્રભુતાના રંગે રંગાઈ ગયાં. એક દિવસ કૈલાસમાંથી એક વિમાન આવ્યું અને તેમાં બેસી પારધી અને તેનું કુટુંબ શિવસ્તવન કરતાં કરતાં શિવલોક પ્રતિ સિધાવ્યાં. પારધીનો તથા તેના પરિવારનો મોક્ષ થઈ ગયો અને સર્વે સદેહે સ્વર્ગમાં સંચર્યા.
શિવલિંગ પૂજનનો મહિમા
શિવલિંગ મૂળભૂત રૂપે તો બ્રહ્માંડની જ પ્રતિકૃતિ છે. પ્રાચીન સમયથી સમગ્ર વિશ્વમાં શિવલિંગની પૂજા, ઉપાસના અને આરાધના પ્રચલિત છે.
શિવલિંગ આકાશરૂપ બ્રહ્મ છે. તેની પીઠિકા પૃથ્વીરૂપિણી માતા જગદંબા છે. શિવલિંગ સમસ્ત દેવોનું સ્થાન છે. શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે. મધ્યમાં ભગવાન વિષ્ણુ છે અને ઉપરના ભાગમાં ઓમકારરૂપ ભગવાન સદાશિવ બિરાજે છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબાનું પરમ પવિત્ર પ્રતીક ગણાય છે. શિવલિંગની ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકી સાથે એટલે કે શંકર-પાર્વતીનું અર્ચન-પૂજન કર્યું હોવાનું માની લેવાય છે. આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ ઉમા, લક્ષ્મી, શચિ વગેરે દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે. શિવલિંગ વિશે કે શિવની પ્રતિમા વિશે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. જે વ્રતી બ્રહ્મરૂપ થઈને શિવલિંગનું પૂજન કરે છે કે મહેશ્વરને ભજે છે તે જ શ્રેષ્ઠ વ્રતધારી છે. વ્રતીએ નવધા ભક્તિ દ્વારા મનને જીતી લેવું જોઈએ અને વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ આ ચાર સાધનો દ્વારા ઈન્દ્રિયોને જીતી લેવી જોઈએ વ્રતીને શ્રાવણ માસ તથા શિવરાત્રીના વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવી પડે તો સદાશિવ ભોળાનાથની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા વગેરેમાંથી વિચલિત ન થવું જોઈએ. શિવજીના લિંગનું પૂજન ઓમકાર મંત્ર વડે અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર `નમ: શિવાય’ વડે કરવું જોઈએ.