- મહાશિવરાત્રી તમારા માટે એક ત્ર્યંબક બનવાની, તમારી ત્રીજી આંખ અને તમારા માટે એક નવી દૃષ્ટિ ખોલવાની તક છે
શિવ હંમેશાંથી ત્ર્યંબક તરીકે ઓળખાય છે, કારણ કે તેમની પાસે ત્રીજી આંખ છે. ત્રીજી આંખ બોધની આંખ છે. બે ભૌતિક આંખો ખાલી સંવેદનાનાં અંગો છે. તે મનને બધા જ પ્રકારની વાહિયાત વસ્તુઓ પૂરી પાડે છે, કારણ કે તમે જે જુઓ છો તે સત્ય નથી. તમે આ વ્યક્તિને કે તે વ્યક્તિને જુઓ છો અને તમે તેના વિશે કંઇક વિચારો છો, પરંતુ તમે તેનામાં શિવને નથી જોઈ શકતા. આ બે આંખો ખરેખર સત્યને નથી જોતી. તેથી વધુ એક આંખ, ઊંડા બોધની આંખ ખોલવી પડશે.
આ દેશમાં, આ પરંપરામાં, જાણવાનો અર્થ ચોપડીઓ વાંચવી, કોઈની વાતો સાંભળવી કે અહીંથી ને ત્યાંથી માહિતી એકઠી કરવી એવો નથી. જાણવાનો અર્થ એ છે કે જીવનમાં એક નવી દૃષ્ટિ ખોલવી. તેથી જો ખરા અર્થમાં જાણવું હોય તો, તમારી ત્રીજી આંખ ખૂલવી જોઈએ. જો બોધની આ આંખ ખોલવામાં ન આવે, જો આપણે માત્ર સંવેદનાની આંખ સુધી જ સીમિત રહીએ, તો શિવની કોઈ સંભાવના નથી.
મહાશિવરાત્રી પર પ્રકૃતિ કોઈક રીતે તે સંભાવનાને એકદમ નજીક લાવે છે. તે દરરોજ શક્ય છે, એવું નથી કે આપણે આ ખાસ દિવસની રાહ જોવી પડશે, પરંતુ આ દિવસે પ્રકૃતિ તમારા માટે તે વધુ ઉપલબ્ધ બનાવે છે, કેમ કે ગ્રહોની સ્થિતિ એ રીતની હોય છે કે તે, ખાસ કરીને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વ્યક્તિ માટે તેની ઊર્જાઓને ઉપર તરફ પહોંચાડવાનું ખૂબ જ સહેલું બનાવી દે છે. તો આ દિવસ માટેના નિર્દેશોમાંથી એક એ છે કે, તમારે આડી સ્થિતિમાં સૂવાનું નથી. તમારે ઊભી સ્થિતિમાં રહેવું જરૂરી છે. ખાલી ઊભી સ્થિતિમાં રહેવું પૂરતું નથી. જો આપણે આપણી જાતને એવી સ્થિતિમાં રાખી શકીએ કે આપણે પોતે ન હોઈએ અને તેના બદલે તેમને હોવાની મંજૂરી આપીએ, જો તમે તેવા બનો, તો જીવનમાં એક નવો બોધ ખોલવો અને જીવનને પૂરી સ્પષ્ટતા સાથે જોવું શક્ય છે.
ગમે તેટલા વિચાર કરવાથી અને ફિલોસોફી કરવાથી ક્યારેય તમારા મનમાં સ્પષ્ટતા નહીં આવે. કોઈ પણ વ્યક્તિ તમે બનાવેલી તાર્કિક સ્પષ્ટતાને તોડી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓ તેને પૂરી રીતે ઉથલપાથલ કરી શકે છે. જ્યારે બોધ ખૂલશે ત્યારે જ, જ્યારે તમારી પાસે અંદરની દૃષ્ટિ હશે ત્યારે જ પૂરેપૂરી સ્પષ્ટતા હશે. કોઈ પણ વ્યક્તિ અને દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમારી અંદર આ સ્પષ્ટતાને બદલી નહીં શકે. તો મહાશિવરાત્રી તમારા માટે એક ત્ર્યંબક બનવાની, તમારી ત્રીજી આંખ અને તમારા માટે એક નવી દૃષ્ટિ ખોલવાની તક છે. આ દિવસે તે સંભાવના રહેલી છે.