મહાત્મા ગાંધી નિર્વાણ દિને રાજકોટમાં કતલખાના બંધ રાખવાનો આદેશ
તા. ૩૦ જાન્યુઆરીએ માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિનના પવિત્ર અવસરે રાજકોટ શહેરમાં તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કતલખાના બંધ રાખવા તથા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર તા. ૩૦/૧/૨૦૨૬ને શુક્રવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રહેશે. સાથે સાથે શહેર વિસ્તારમાં માંસ, મટન, માછલી તેમજ ચિકનના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પણ પ્રતિબંધ લાગુ રહેશે. મહાત્મા ગાંધીના અહિંસા અને સત્યના સિદ્ધાંતો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા દર વર્ષે આ દિવસે શહેરમાં આ પ્રકારનો નિયંત્રણ અમલમાં મુકવામાં આવે છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જાહેરનામામાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, આ આદેશની અમલવારી માટે તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓએ કડક દેખરેખ રાખવી રહેશે. શહેરના તમામ ઝોનલ અધિકારીઓ, હેલ્થ વિભાગ, ફૂડ સેફ્ટી વિભાગ તેમજ અન્ય સંબંધિત સ્ટાફને આ અંગે ચુસ્ત અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
જાહેરનામામાં વધુમાં જણાવાયું છે કે જો કોઈ વેપારી કે વ્યક્તિ આ આદેશનો ભંગ કરતા ઝડપાશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ–૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના લાગુ બાયલોઝ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દંડ, માલ જપ્તી કે અન્ય કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
મહાનગરપાલિકાએ શહેરના તમામ વેપારીઓ અને નાગરિકોને આ નિર્ણયમાં સહયોગ આપવા અને જાહેરનામાનું પાલન કરવા અપીલ કરી છે, જેથી ગાંધીજીના નિર્વાણ દિનને શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવી શકાય.


