- વડાપ્રધાને વિકસિત ભારત સંકલ્પયાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી
- મારા માટે ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો સૌથી મોટી જાતિ
- ઝારખંડના દેવઘરમાં 10,000મા જનઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું
પીએમ મોદીએ ગુરુવારે પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રો તેમજ જનઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવાની યોજનાનો પ્રારંભ કર્યો હતો. મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પયાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ સાથે તેમણે ઝારખંડના દેવઘરમાં 10,000મા જનઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
મોદીએ કહ્યું કે લોકોને સારી અને સસ્તી દવા આપવી તે સેવા છે અને અમારી સરકારનો સંકલ્પ છે. પહેલાં દવાઓ પાછળ 12,000થી 13,000 ખર્ચ થતો હતો જનઔષધિ કેન્દ્રોને કારણે તે ઘટીને રૂ. 2000થી 3000 થઈ ગયો છે. આમ લોકોનાં 10,000ની બચત શક્ય બની છે.
મહિલા ડ્રોન કિસાન યોજના સશક્તીકરણનું પ્રતીક
મોદીએ કહ્યું કે રમન અમ્મા જેવી મહિલાઓએ સાબિત કર્યું છે કે ડ્રોન કૃષિમાં ટેકનિકથી આગળ વધીને મહિલાઓ સશક્તીકરણનું પ્રતીક બની ગઈ છે. વિકસિત ભારતની સંકલ્પયાત્રામાં મહિલાઓની ભાગીદારી મહત્ત્વની છે. મારી સંકલ્પયાત્રાનો હેતુ જેમને સરકારી લાભ મળ્યા છે તેમના અનુભવ જાણવાનો છે. જેમને યોજનાના લાભ નથી મળ્યા તેમને આ લાભ પૂરા પાડવાનો છે. દેશના દરેક ગામમાં મોદીની વિકાસની ગેરંટીની ગાડી પહોંચનારી છે. અમે સંકલ્પયાત્રાનું નામ વિકાસ રથ રાખ્યું હતું પણ લોકોએ બદલીને તે મોદીની ગેરંટીવાળી ગાડી રાખ્યું છે. તમામ ગેરંટીઓ પૂરી કરવાની મોદીની ખાતરી છે.
મહિલા કિસાન ડ્રોન યોજના માટે 15,000 ડ્રોન પૂરા પડાશે
મોદીએ કહ્યું કે મહિલા કિસાન ડ્રોન યોજના માટે સરકાર દ્વારા 3 વર્ષમાં વધુ 15,000 ડ્રોન પૂરા પાડવામાં આવશે. મહિલાઓની આગેવાનીમાં વિકાસ સુનિશ્ચિત કરાશે. મહિલાઓને ડ્રોન ઉડાડવા તાલીમ અપાશે.
મોદીએ શું કહ્યું?
- દેશના દરેક ગરીબનાં સપના પૂરાં કરાશે.
- લોકોને મોદી પર અને મોદીની સરકાર પર અતૂટ વિશ્વાસ છે.
- અગાઉની સરકારો દ્વારા વૉટ બેન્કને ધ્યાનમાં રાખીને કામ કરાતા હતા.
- અગાઉની સરકારો તેને નાગરિકોની માઈ-બાપ સમજતી હતી.
- મારે કિસાનો અને ખેતીને મજબૂત કરવા છે.
- ચારેય જાતિઓને સમસ્યાઓથી મુક્ત કરવાનો અમારો સંકલ્પ છે.
વિકસિત ભારતના ચાર સ્તંભ
વિકસિત ભારતનો સંકલ્પ નારી, યુવાન, કિસાન અને ગરીબ એમ ચાર અમૃત સ્તંભો પર ટકેલો છે. ચાર મોટી જાતિઓ જ ભારતને વિકાસને માર્ગે લઈ જશે. દરેક જાતિ સશક્ત થતા દેશ મજબૂત અને સશક્ત થશે.


