મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે તા.22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત લુણાવાડાની ડૉ. પોલન સ્કૂલ પી.એમ. શ્રી – ગુજરાત ખાતે ગણિતના મહત્વને સમજાવવા અને વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રુચિ જાગે તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. પ્રાર્થના સંમેલનમાં રામાનુજનને અંજલિ, શાળાના પ્રાર્થના સંમેલનમાં શ્રીનિવાસ રામાનુજનના જીવન વૃત્તાંત વિશે સમજ આપી હતી. નાટકીય રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓએ રામાનુજનના જીવનના સંઘર્ષ અને તેમની ગણિત પ્રત્યેની અદભૂત સિદ્ધિઓનો પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે શાળામાં એક ભવ્ય ગણિત પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગણિતના વિવિધ સિદ્ધાંતો પર આધારિત વર્કિંગ અને સ્ટેટિક મોડલ્સ રજૂ કર્યા હતા. ભૌમિતિક આકારોની સમજ, પાથાગોરસ પ્રમેયના મોડલ, રમત-ગમત દ્વારા ગણિત શીખવાની પદ્ધતિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓનો ઉત્સાહ, શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોએ ગણિત વિષયને માત્ર ગણતરી પૂરતો મર્યાદિત ન રાખતા, તેને તાર્કિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રદર્શન નિહાળવા માટે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ મુલાકાત લીધી હતી.


