- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા શરૂ કરાઈ,
- જીલ્લા પ્રસાસન દ્વારા ગામ લોકો સાથે વહેલી સવારે મિટિંગ કરી
- આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરાશે
દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત 7 મેના રોજ પરમથપુર ગામે મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો. વિજય ભાભોર નામક યુવાન દ્વારા સોસિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર બુથ કેપ્ચરિંગ અંગે લાઈવ કર્યું હતું. જે બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી જવા પામ્યો હતો,જેને લઈ ચૂંટણીપંચના આદેશ અનુસાર આજે ફરી સવારથી લોકો મતદાન કરવા પહોંચ્યા હતા.
આરોપીની કરાઈ હતી ધરપકડ
મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા સંતરામપુર પોલીસ મથક ખાતે વિજય ભાભોર અને વીડિયોમાં દેખાતા અન્ય એક ઇસમ મગન ડામોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ બંને આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ સમગ્ર ઘટનાને લઈ ચૂંટણી પંચ દ્વારા સંતરામપુરના પરથમપુર બુથ નંબર 220 પર ફરીથી મતદાબ કરવાના આદેશ કરવા આવ્યા હતા. ત્યારે આજે 11 મેના રોજ સવારે 7 કલાકથી અહીંયા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ બુથ પર કુલ 1224 મતદારો છે, જેમાં 618 પુરુષ અને 606 મહિલા મતદારો છે. મતદાન મથક ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી, ચૂંટણી ઓબ્ઝર્વર સહિત ASPની ઉપસ્થિતમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ થયો છે. મતદાન મથક બહાર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

વિજય ભાભોરની કરી હતી અટકાયત
સંતરામપુરના રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો વિડીયો વાઇરલ થયો છે. તેણે ચૂંટણી અધિકારીને ધમકાવ્યાનો આરોપ હતો. કોંગ્રેસ ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે આ બાબતે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી. કલેક્ટર નેહાકુમારીએ સમગ્ર કેસ હાથમાં સંભાળ્યો હતો. પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી હતી. આરોપી વિજય ભાભોર આ ઘટનામાં રીતસરનો ઇવીએમ સાથે રમતો નજરે પડયો હતો. તે કહેતો હતો અહીં એક જ ચાલે, બીજેપી જ ચાલે. વિજય ભાભોર. હું છું વિજય ભાભોર તેમ કહેતો નજરે આવે છે. તે કહેતો હતો કે આ મશીન મારા બાપનું છે. આમ કહી તે રીતસરનો તેના હાથમાં ઇવીએમ રમાડી રહ્યો હતો. તેની સાથે તે અપશબ્દો પણ બોલી રહ્યો હતો. આ ઉપરાંત મતદાન કરવા આવેલા લોકોને ધક્કો મારી દૂર કરી જાતે ઇવીએમનું બટન દબાવી રહ્યો હતો.
પોલિંગ બુથના કર્મચારીઓને મળી હતી નોટીસ
સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ હવે મહીસાગર ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું હતુ અને બાલાસિનોરના મામલતદારે 6 કર્મચારીઓને નોટીસ પાઠવી હતી. ચૂંટણી દરમિયાન મતદાન મથક પર ફરજ પર ગંભીર બેદરકારી બદલ બાલાસિનોરના મામલતદારે પ્રિસાઇડીંગ ઓફિસર, આસિ.પ્રિસાઇડીંગ ઓફિસર, બે મહિલા પોલિંગ ઓફિસર, હેડ કોન્સ્ટેબલ તેમજ GRD મળીને કુલ છ કર્મચારીઓને આપી નોટિસને ખુલાસો માંગ્યો હતો.


