- ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ મહુઆ મોઈત્રા પર લગાવ્યા આરોપ
- દુબેએ લોકસભા સ્પીકરને કરેલી ફરિયાદ એથિક્સ કમિટીમાં મોકલાઈ હતી
- એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ છીનવાઇ હતી મહુઆ મોઇત્રાની સદસ્યતા
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા લોકસભા સભ્યપદ છીનવી લેવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેશ ફોર ક્વેરી કેસમાં પ્રશ્નોથી ઘેરાયા બાદ અને એથિક્સ કમિટીએ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યા બાદ લોકસભા અધ્યક્ષે તેમને નિષ્કાસિત કર્યા હતા. હવે આના વિરોધમાં મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે મહુઆ પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપોની તપાસ કરી રહેલી સંસદની એથિક્સ કમિટીએ લોકસભામાં મહુઆનું સંસદ સભ્યપદ ખતમ કરવાની ભલામણ કરી હતી. બાદમાં, રિપોર્ટના આધારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆને લોકસભા માંથી નિષ્કાસિત કરી દીધા હતા.
શું છે કેશ ફોર ક્વેરી કેસનો સમગ્ર મામલો?
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના ઈશારે સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમની વિરુદ્ધ લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી અને તપાસની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પુરાવા વકીલ જય અનંત દેહાદ્રાઇ દ્વારા આપવામાં આવ્યા છે.
લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં નિશિકાંત દુબેએ કહ્યું હતું કે તેમને વકીલ અને મહુઆના પૂર્વ મિત્ર જય અનંત દેહાદ્રાઇ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે મોઇત્રા અને જાણીતા બિઝનેસ ટાયકૂન દર્શન હિરાનંદાની વચ્ચે પ્રશ્નો પૂછવા માટે લાંચની આપ-લે અંગેના પુરાવા શેર કરવામાં આવ્યા હતા. એવું જણાય છે કે જય અનંતે એક વિગતવાર સંશોધન કર્યું જેના આધારે તેમણે તારણ કાઢ્યું છે કે તાજેતરમાં જ મોઇત્રા દ્વારા પૂછવામાં આવેલ કુલ 60 પ્રશ્નો માંથી 50 પ્રશ્નો દર્શન હિરાનંદાની અને તેની કંપનીના વ્યવસાયિક હિતોને બચાવવા માટે પૂછ્યા હતા. જો કે, મહુઆ મોઇત્રાએ જય અનંતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ આરોપો જુઠ્ઠાણા પર આધારિત છે.
એમ પણ આરોપ છે કે ઉધ્યોગપતિ હીરાનંદાની જુદા જુદા સ્થળોએથી અને મોટાભાગે દુબઈથી પ્રશ્નો પૂછવા માટે મોઈત્રાના લૉગિન આઈડીનો ઉપયોગ કરતાં હતા. આ આરોપો સામે આવ્યા બાદ લોકસભા અધ્યક્ષે સમગ્ર મામલો સંસદની એથિક્સ કમિટી પાસે મોકલી દીધો હતો.
આચાર સમિતિની બેઠકમાં શું થયું?
સંસદમાં પ્રશ્નો પૂછવા માટે પૈસા લેવાના કેસની તપાસ કરી રહેલી લોકસભાની એથિક્સ કમિટીએ 2 નવેમ્બરે પૂછપરછ કરી હતી. 9 નવેમ્બરે મળેલી બેઠકમાં, ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરની આગેવાની હેઠળની સમિતિએ લાંચ લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની ભલામણ કરતો અહેવાલ રજૂ કર્યો હતો. કોંગ્રેસ સાંસદ પ્રનીત કૌર સહિત સમિતિના છ સભ્યોએ રિપોર્ટની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે વિરોધ પક્ષો સાથે જોડાયેલા સમિતિના ચાર સભ્યોએ અસહમતી નોટ્સ રજૂ કરી હતી. વિપક્ષી સભ્યોએ અહેવાલને ‘ફિક્સ્ડ મેચ’ ગણાવ્યો અને કહ્યું કે ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
સંસદમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં શું સામે આવ્યું?
શિયાળુ સત્રના પહેલા જ દિવસે એટલે કે 4 ડિસેમ્બરના રોજ એથિક્સ કમિટીના અહેવાલને કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં માત્ર મહુઆની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી નથી પરંતુ તેની કાર્યવાહીને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણીને તપાસની ભલામણ પણ કરવામાં આવી છે.
રિપોર્ટ રજૂ થયા બાદ 8 ડિસેમ્બરે મહુઆ વિરુદ્ધ નિષ્કાસન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ, લોકસભામાં રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ ગૃહે સમિતિની ભલામણના પક્ષમાં મતદાન કર્યું ત્યારબાદ મહુઆ મોઈત્રા નું સંસદ સભ્ય પદ રદ્દ થઈ ગયું. જોકે, જુદા જુદા વિપક્ષી દળોના સભ્યોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
મહુઆ મોઈત્રાએ આરોપો પર શું કહ્યું
આ પહેલા એથિક્સ કમિટી સમક્ષ મહુઆ મોઈત્રા એ સ્વીકાર કર્યો હતો કે તેમણે સંસદમાં સવાલ પૂછવા માટે પોર્ટલને લગતી પોતાની વિગતો આઈડી પાસવર્ડ શેર કર્યા હતા. જોકે, મહુઆ મોઈત્રાએ આ પહેલા પોતાના એક નિવેદનમાં પોતાના પૂર્વ સાથી જય અનંતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આરોપો જુઠ પર આધારિત છે.


