મહુવાના મોટા ખુંટવડા નજીક માલધારી અને ફોજદાર વચ્ચે છુટાહાથની મારામારી
ઢોર મારમાર્યાનો આક્ષેપ : સામસામી પોલીસમાં ફરિયાદ : વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામ પાસે પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રસ્તા પરથી પશુ લઈને જઈ રહેલા માલધારી સાથે બોલચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે PSI યાદવે પોતાની ફરજમાં રુકાવટ કરી હુમલો કરાયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો સામાપક્ષે પશુપાલક દ્વારા પણ પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો છે. મારામારીના બનાવમાં પશુપાલક અને PSI ઈજાગ્રસ્ત થયા હોઈ બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા પાસે સરકારી ફરજ બજાવી પરત ફરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI યાદવ અને GRD જવાન પર એક શખસે લાકડી વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. જાહેર માર્ગ પર વાહનવ્યવહારને નડતરરૂપ રીતે ભેંસો હંકારવા બાબતે સમજાવવા જતાં ઉશ્કેરાયેલા શખસે પોલીસ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ PSIએ ખૂટવડા પોલીસ મથકે નોંધાવી હતી.
આ બનાવ અંગે ખુંટવડા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રાજેશ જગરામભાઈ યાદવ અને GRD જવાન નાગજી ગીલાતર ભાવનગર ખાતે આઈ.જી.પી.ની ઇન્સ્પેક્શન પરેડ પતાવી સરકારી વાહનમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે 21 જાન્યુઆરીએ સાંજના પોણાછ વાગ્યાની આસપાસ રોજકી ડેમ પાસેના નાળા નજીક એક ઇસમ ભેંસોનું ટોળું લઈને રસ્તાની વચ્ચે જઈ રહ્યો હતો, વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાઈડ આપી ન હતી.
જ્યારે PSI યાદવે નીચે ઊતરીને માલઢોરને રસ્તાની એક બાજુ લેવા અને જાહેર જનતાને પડતી અડચણ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે શખસ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. PSI પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે જીભાજોડી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. વચ્ચે પડેલા GRD જવાન નાગજીભાઈ પર આ શખસે અચાનક લાકડીનો ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી, આ દરમિયાન PSI યાદવ તેને રોકવા અને સ્વબચાવ કરવા વચ્ચે પડતાં હુમલાખોરે PSIના માથા પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા માર્યા હતા.
હુમલા બાદ ઈજાગ્રસ્ત PSI અને GRD જવાનને તાત્કાલિક મોટા ખુંટવડા CHC ખાતે ખસેડાયા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે મહુવાની એસ.ઓ.એસ (SOS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી ફરજમાં રુકાવટ અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ વિરુદ્ધ PSI રાજેશ યાદવે, ભાવેશ સોસલા બી.એન.એસ.ની કલમ 121(2), 221, 352, 285, જી.પી.એક્ટ 135 કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


