- પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષમાં મૃત્યુઆંક 10,300ને વટાવી ગયો
- ગાઝામાં ઇન્ડોનેશિયાની હોસ્પિટલનું મુખ્ય જનરેટર ઇંધણના અભાવે બંધ
- આ ઇંધણનો ઉપયોગ હમાસના લડવૈયાઓ તેમના લશ્કરી હેતુઓ માટે કરશે
ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલનું ઓપરેશન 26માં દિવસે પણ ચાલુ છે. પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષમાં મૃત્યુઆંક 10,300ને વટાવી ગયો છે. પેલેસ્ટાઈનમાં અત્યાર સુધીમાં કુલ 8,923 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઇઝરાયેલમાં 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં 1538 લોકોના મોત થયા હતા. ત્યારે હવે ગાઝામાં ઇન્ડોનેશિયાની હોસ્પિટલનું મુખ્ય જનરેટર ઇંધણના અભાવને કારણે બુધવારે રાત્રે બંધ થઈ ગયું હતું. હોસ્પિટલના વડા ડો. અતેફ અલ કાહલોતે આ માહિતી આપી હતી.
અલ કાહલોતે કહ્યું હતું કે હોસ્પિટલના કેટલાક ભાગોમાં સેકન્ડરી જનરેટર ચાલી રહ્યું છે. જોકે, સમગ્ર હોસ્પિટલમાં ઈલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું છે. ઓપરેટિંગ રૂમમાં વેન્ટિલેશન સિસ્ટમ અને ઓક્સિજન સ્ટેશન પણ બંધ છે. હોસ્પિટલના શબઘરમાં રેફ્રિજરેટર પણ બંધ થઈ ગયા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કુદ્રાએ ગુરુવારે એક ટેલિવિઝન નિવેદનમાં જણાવ્યું હતું કે ઇંધણની અછતને કારણે હોસ્પિટલનું મુખ્ય જનરેટર કામ કરી રહ્યું ન હતું.
હોસ્પિટલ બેક-અપ જનરેટર પર સ્વિચ કરી રહી છે પરંતુ હવેથી શબઘરના રેફ્રિજરેટર અને ઓક્સિજન સ્ટેશનને પાવર આપી શકશે નહીં. ‘જો અમને આગામી થોડા દિવસોમાં ઈંધણ નહીં મળે તો અમે ઈમરજન્સીની સ્થિતિમાં આવી જઈશું. યુદ્ધની શરૂઆતથી, ઇઝરાયલે ગાઝાને ઇંધણ આપવાનો ઇનકાર કર્યો છે. ઇઝરાયલે ચિંતા વ્યક્ત કરી છે કે આ ઇંધણનો ઉપયોગ હમાસના લડવૈયાઓ તેમના લશ્કરી હેતુઓ માટે કરશે.
‘હમાસ હોસ્પિટલોમાંથી ગેસ અને તેલની ચોરી કરે છે’
તે જ સમયે, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં ઇંધણની અછત માટે હમાસને જવાબદાર ઠેરવ્યું છે. ઇન્ડોનેશિયાની એક હોસ્પિટલમાં મુખ્ય જનરેટર બંધ કરવા અંગે સીએનએનની ટ્વીટનો જવાબ આપતા IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ)એ લખ્યું હતું કે, ‘આ રેકોર્ડ કરેલી વાતચીત હમાસ દ્વારા માનવ સંસાધનોના શોષણને ઉજાગર કરે છે. તેઓ બળતણની ચોરી કરે છે અને તેને પોતાના માટે રાખે છે. IDF એ હમાસ કમાન્ડર અને ગાઝા નાગરિક વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ પણ બહાર પાડ્યું હતું. જે દર્શાવે છે કે કેવી રીતે હમાસ ગાઝા પટ્ટીની હોસ્પિટલોમાંથી બળતણ મેળવે છે.
IDF દ્વારા બહાર પાડવામાં આવેલી ઓડિયો ક્લિપમાં,હમાસના પશ્ચિમી જબાલિયા બ્રિગેડના કમાન્ડર ગાઝામાં ઇન્ડોનેશિયન હોસ્પિટલના વડા તેમજ ગાઝાનના અન્ય નાગરિક સાથે વાત કરતા સાંભળવામાં આવે છે.
IDF દ્વારા બહાર પાડવામાં આવેલી ઓડિયો ક્લિપ બહાર પાડી
હમાસ કમાન્ડર કહે છે, ‘હું અહીં ડો. અતાફ સાથે સ્પીકર પર છું. અમે ડીઝલ ભરવા ગયા હતા. તમે જે હજાર લિટર વિશે વાત કરી હતી. ગાઝાનો નાગરિક ‘હા’માં જવાબ આપે છે.
હમાસ કમાન્ડર: ‘અબુ હસન, તેઓએ મને કહ્યું કે અહીં ડીઝલ નથી.’
ગાઝાનો નાગરિક પૂછે છે: ‘તમે ઈન્ડોનેશિયાની હોસ્પિટલમાં છો?’
આના પર કમાન્ડર પુષ્ટિ કરે છે કે તે ડોક્ટર અતાફ સાથે હોસ્પિટલમાં હાજર છે.
ઉત્તરી ગાઝાની આરોગ્ય સંભાળ આ હોસ્પિટલ પર નિર્ભર
ઇન્ડોનેશિયાની હોસ્પિટલને ગાઝાના ઉત્તર ભાગમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની કરોડરજ્જુ માનવામાં આવે છે. આ હોસ્પિટલ જબલિયા શરણાર્થી શિબિરની સૌથી નજીક સ્થિત છે. ઈઝરાયેલની વાયુસેનાએ મંગળવાર અને બુધવારે આ ગીચ વસ્તીવાળા શરણાર્થી કેમ્પ પર હવાઈ હુમલા કર્યા હતા. IDFએ કહ્યું હતું કે ઇઝરાયલી એરફોર્સનું નિશાન હમાસના આતંકવાદીઓ હતા, જેમણે આ શરણાર્થી શિબિરમાં આશ્રય લીધો હતો. ઈન્ડોનેશિયાની એક હોસ્પિટલના ડોકટરોને ટાંકીને જણાવ્યું હતું કે ઈઝરાયેલના હવાઈ હુમલા બાદ સેંકડો મૃતકો અને ઘાયલો અહીં પહોંચ્યા હતા. અલ કાહલુટે જણાવ્યું હતું કે બુધવારે બીજા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યા ગયા હતા.


