સુરતના મગદલ્લા દરિયા કિનારે જેટી પર કોલસો લાવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મધદરિયે કોલસાથી ભરેલી એક બોટ અચાનક પલટી જતાં દરિયામાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેટી પર માલસામાન ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન બોટનું સંતુલન બગડતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. બોટ પલટી જતાં તેમાં ભરેલો ટનબંધ કોલસો અને અન્ય કિંમતી સામાન દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
તમામ શ્રમિકોનો આબાદ બચાવ
સદનસીબે, આ દુર્ઘટનામાં બોટમાં સવાર તમામ મુસાફરો અને શ્રમિકોનો આબાદ બચાવ થયો છે. બોટ પલટી ત્યારે આસપાસ રહેલા લોકો અને અન્ય બોટના ચાલકોએ તાત્કાલિક મદદ પહોંચાડી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે મગદલ્લા જેટી પર કામગીરી થોડા સમય માટે થંભી ગઈ હતી. હાલમાં દરિયામાં ડૂબી ગયેલા સામાન અને બોટને બહાર કાઢવા માટેની કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat News : ખટોદરામાં હાથ બનાવટના તમંચા સાથે આરોપીની ધરપકડ, પોલીસે તપાસ હાથ ધરી…


