- અંધાપાકાંડમાં 3 ઓપ્થોમોલોજીસ્ટ સર્જનના લાઇસન્સ કરાયા સસ્પેન્ડ
- માંડલ હોસ્પિટલના ડો.જયમીન પંડયાનું 1 વર્ષ માટે લાઇસન્સ સસપેન્ડ
- અમરેલી હોસ્પિટલના ડૉ.પૂજા પરીખનું 6 મહિના માટે લાઇસન્સ સસપેન્ડ
અમદાવાદના વિરમગામના માંડલ ખાતે અંધાપાકાંડનો મામલો સામે આવ્યો હતો. ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. આ મામલો સામે આવતા માંડલ પોલીસે હોસ્પિટલના ડોક્ટર સહિત 11 લોકો સામે ગુનો નોંધ્યો હતો. માહિતી મુજબ, IPC કલમ 337, 338, 114 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ હાઈકોર્ટના આદેશ બાદ સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ કાર્યવાહીના આદેશ આપ્યા હતા,તો બીજી તરફ હાઇકોર્ટમાં થયેલ સુઓમોટો બાદ કાર્યવાહી કરાઈ છે,સમગ્ર ઘટનાને લઈ મેડિકલ સુપ્રિડેન્ટન્ડને પણ હોદ્દા પરથી હટાવાયા છે,તો ટ્રસ્ટ અને ટ્ર્સ્ટીઓ વિરૂધ્ધ ચેરિટી કમિશ્નરને પગલા લેવા જણાવાયું છે.
તમામ હોસ્પિટલો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત
માંડલ વિરમગામ અંધાપાકાંડ મામલે હાઈકોર્ટમાં સુઓમોટો હાથ ધરવામાં આવી હતી, જેમાં એડવોકેટ જનરલે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 50 કે એનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું. પરંતુ, હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સાથે જ ચેરિટેબલ ટ્રસ્ટ કે NGO તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે કોર્ટને જણાવ્યું કે, આગામી સમયમાં આંધાપાકાંડ જેવી ઘટનાઓ ફરી ના બને એ માટે સરકાર જરૂરી સુધારાત્મક પગલાં લેશે.
શુ હતો સમગ્ર કેસ
અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.આ વચ્ચે હાઇકોર્ટે પણ આ ઘટના પર નારાજગી દર્શાવી સુઓમોટો પિટિશન દાખલ કરી હતી.


