- ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ
- પીડિત પરિવારોને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન
- બહુમાળી ભવનચોકથી CP કચેરી સુધી કાઢી રેલી
રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હજી શાંત થયો નથી,આજે ગુજરાત કોગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્રારા બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કરવાનો પ્લાન કરાયો છે.આ વિરોધમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા છે.પીડિત પરિવારોને ન્યાયની માંગ સાથે કરાઈ રહ્યું છે વિરોધ પ્રદર્શન.
કોગ્રેસના મોટા નેતાઓ રહ્યા હાજર
રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટા વ્યકિતઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવશે. કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા,વિમલ ચુડાસમા સહિતના નેતાઓ આ સમયે હાજર રહેશે.
વિરોધમાં મૃતકોના પરિવારજનો પણ જોડાયા
સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ અને ન્યાય માટે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં છે. જેમાં TRP ગેમ ઝોનમાં ભોગ બનનાર યુવકને સાથે રાખવામાં આવ્યો છે.
કોગ્રેસે 25 જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું
સ્થાનિક પોલીસ પણ તપાસમાં નાના કર્મચારીઓને પકડીને વાહવાહી લૂંટવાની કોશિશ કરી રહી છે, પરંતુ મોટા અધિકારીઓ અને ભાજપના આગેવાનોને બચાવવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાના મૃતકોને ન્યાય મળે અને સાચી તપાસ થાય તેવી માગ સાથે આજે શનિવારે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદન પાઠવાશે અને 25 જૂનના રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

શું હતી ઘટના
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.


