- ઉમેદવારના લગ્ન હોય તો સોગંદનામું રજૂ કરવું પડશે
- બે મહિનામાં મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે
- મહિલા ઉમેદવાર પ્રસુતિની તારીખના કિસ્સામાં મંડળ નિર્ણય કરશે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, લગ્નની સિઝન અને યુનિવર્સિટી પરીક્ષા હોવાના કારણે તથા મહિલા ઉમેદવાર પ્રસુતિની તારીખના કિસ્સામાં મંડળ પરીક્ષા તારીખ અંગે નિર્ણય કરશે,જાહેરાત ક્રમાંક 212 વર્ગ ૩ની પ્રાથમિક પરીક્ષાની તારીખ મુદ્દે અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકુળ ન હોય તે ઉમેદવારો તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.પરિપત્રમાં જણાવ્યું છે કે તા. 01/03/2024ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર ઉમેદવારને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાશે નહી,સાથે સાથે આ પરીક્ષાના કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સિઝન અને યુનિવર્સિટીની પરીક્ષાઓ હોવાના કારણોસર તે ઉપરાંત મહિલા ઉમેદવારને પ્રસુતિની તારીખના કિસ્સામાં ઉમેદવારની રજુઆત અન્વયે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ કોઇ ઉમેદવારને પ્રતિકૂળ હોય તેવી પરીક્ષા તારીખ ફાળવવામાં આવશે નહીં.
ખોટા દસ્તાવેજો રજૂ ના કરવા
જો કોઇ ઉમેદવાર દ્વારા ખોટા દસ્તાવેજો રજુ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. તદુપરાંત ખોટું સોગંદનામુ રજુ કરશે તો ફોજદારી ગુનો પણ બની શકે છે.
1. ઉમેદવારના પોતાના લગ્ન
આ માટે ઉમેદવારે તેઓના લગ્નની અસલ કંકોત્રી સાથે તથા રૂ. 50 ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે.તે ઉપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ પણ રજૂ કરવાનું રહેશે.
2. ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષા
આ માટે ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેના જરૂરી આધારો તથા રૂ. 50 ના સ્ટેમ્પ પેપરના સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે.
૩. મહિલા ઉમેદવારો માટે પ્રસૂતિના કિસ્સામાં.
ઉમેદવારે સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજીત તારીખ અંગે જરૂરી આધાર-પુરાવા સહ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે
ઉમેદવાર રહેશે બંધનકર્તા
ઉપર્યુક્ત અનિવાર્ય સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની આ સાથે સામેલ નિયત નમૂના મુજબની અરજી તા.12/03/2024 સુધીમાં મંડળને રૂબરૂમાં રજૂ કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ કે ઉપર્યુક્ત ખાસ કિસ્સાઓ સિવાયની અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. ઉમેદવારો દ્વારા મળેલ અરજીઓ બાબતે મંડળ દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તથા મંડળ આ બાબતે જે નિર્ણય લેશે તે ઉમેદવારને બંધનકર્તા રહેશે.


