ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલા કુઆન રોડ પર ગુરુવારે રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. એક રોડવેઝ બસ નિયંત્રણ બહાર થઈ ગઈ અને રસ્તા પર પલટી ગઈ છે. આ અકસ્માતમાં 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ત્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા
અકસ્માત સર્જાતા લોકોની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા અને પોલીસને અકસ્માતની જાણ કરી છે. માહિતી મળતાં જ કાકોરી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. ઘટનાની નોંધ લેતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કૈસરબાગ બસ ડેપોની રોડવેઝ બસ હરદોઈ જિલ્લામાંથી લખનૌ આવી રહી હતી. કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલા કુઆન રોડ પર અચાનક બે બાઈક સવાર બસની સામે આવી ગયા. બાઈક સવારોને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બસ ઊંડી ખાડામાં પડી ગઈ. બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા.
લગભગ 24 મુસાફર થયા ઘાયલ
અકસ્માતની ઘટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ત્યાં સુધીમાં સ્થાનિક લોકોએ બસમાંથી ઘણા મુસાફરોને બહાર કાઢ્યા હતા. પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 24 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી પાંચના મોત થયા છે. અકસ્માત દરમિયાન પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહેલા બે બાઇક સવારોને પણ ઇજા પહોંચી હતી. તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કાકોરી સીએચસીના ડેપ્યુટી સીએમઓએ જણાવ્યું હતું કે 14 લોકોને સીએચસીમાં લાવવામાં આવ્યા, જેમાંથી 26 વર્ષીય દિલશાદનું મૃત્યુ થયું હતું. તે બુધડિયા ખેડા ગામ કાકોરીનો રહેવાસી હતો અને 13 લોકો ઘાયલ છે.