- પાકા કેળાની મદદથી બનાવો ખાસ બરફી
- ઝડપથી બનાવી લો સ્વાદિષ્ટ વાનગી
- આ સ્વીટ ડિશથી વધશે ઉપવાસમાં સ્ટેમિના
હાલમાં અનેક ભક્તો નવરાત્રિના ઉપવાસ કરી રહ્યા છે. આ સમયે તેમની શ્રદ્ધા તેમને ડગવા દેતી નથી. પરંતુ જો ઉપવાસમાં એકની એક ફરાળી વાનગી ખાઈને કંટાળ્યા હોવ તો, આજે અમે તમારી માટે ખાસ પ્રકારની સ્વીટ ડિશની રેસિપિ લાવ્યા છીએ. આ સ્વીટ ડિશ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તો જાણો સરળ રીતે કેળાની મદદથી કેવી રીતે ઘરે બનાવશો આ સ્વીટ ડિશ.
કેળાંની બરફી
સામગ્રી
-4 નંગ પાકા કેળાં
-1/2 કપ દૂધ
-2 કપ ખાંડ
-2 ટીસ્પૂન ઘી
-75 ગ્રામ નારિયેળની છીણ
-1/2 કપ અખરોટ સમારેલા
રીત
સૌપ્રથમ કેળાંની બરફી બનાવવા માટે કેળાંની છોલીને તેનો છૂંદો કરી લો. હવે તેમાં દૂધ ઉમેરીને તેને ચઢવા માટે મૂકો. દૂધ બળીને મિશ્રણ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી ચઢવા દો. ત્યાર બાદ તેમાં ઘી ઉમેરીને સાંતળો. મિશ્રણ લાઈટ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ખાંડ, નારિયેળનું છીણ અને અખરોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. મિશ્રણમાંથી ઘી છૂટવા લાગે એટલે ગેસ બંધ કરો. આ દરમિયાન એક થાળી પર ઘી લાગાવીને મૂકો. તેના પર તૈયાર કરેલું બરફીનું મિશ્રણ પાથરો. તેને ઠંડુ થવા દો. ત્યાર બાદ તેને ચોંસલા કરીને તેને ઉપયોગમાં લો. તમે આ વાનગીને પ્રસાદ રૂપે માતાજીને પણ ધરાવી શકો છો.