- ઘરે સરળતાથી બનાવી શકાશે આ વાનગી
- દિવાળીમાં આવતા મહેમાનોને ચા સાથે કરી શકાશે સર્વ
- બાળકોથી માંડીને મહેમાન અને પરિવારને આવશે પસંદ
દેશમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે અનેક ઘરોમાં નાસ્તા બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ છે. આ સમયે તમે શું બનાવવું તેને લઈને અસમંજસમાં રહો છો. જો તમે મહેમાનો અને સાથે પરિવારને ખુશ કરવા ઈચ્છો છો તો તમે ઘરે ફટાફટ બની જતી એવી ચકરીની તૈયારી કરી શકો છો. આ ટેસ્ટમાં મસ્ત લાગે છે અને સાથે મહેમાનને તમે ચા સાથે સરળતાથી સર્વ કરી શકો છો. તો કરી લો તૈયારી અને બનાવી લો ફટાફટ ચકરી ઘરે જ.
ચકરી
સામગ્રી
-3 કપ ચોખા
-1 ટેબલસ્પૂન ચણા દાળ
-1/2 કપ મગની મોગર દાળ
-11/2 ટીસ્પૂન બટર
-1 ટીસ્પૂન તલ
-1/2 ટીસ્પૂન હિંગ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
-તેલ તળવા માટે
રીત
સૌપ્રથમ મગની દાળ અને ચણા દાળને ડ્રાય રોસ્ટ કરો. સરસ મજાની સુગંધ આવે એ રીતે ત્યાં સુધી ફ્રાય કરો. મધ્યમ તાપે લગભગ ત્રણથી પાંચ મિનિટ લાગશે. એ વાતનું ધ્યાન રાખવું કે, દાળ બળી ના જાય. ત્યાર બાદ તેને બીજા એક વાસણમાં કાઢીને ઠંડી થવા દો. હવે તેને ચોખાની સાથે ગ્રાઈન્ડ કરી લો. એકદમ પાવડર બની જાય એ રીતે ગ્રાઈન્ડ કરી લો. તમે આ લોટને ડબ્બામાં ભરીને રાખી શકો છો. પછી જ્યારે ઈચ્છો ત્યારે તેમાંથી ચકરી બનાવી શકો છો. હવે તૈયાર કરેલા લોટમાં બટર, મીઠું, તલ અને હિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ તૈયાર કરો. લોટમાંથી ચકરી પડે એ રીતનો રાખવો. હવે આ લોટને સંચામાં ભરી લો. આ દરમિયાન તેલ ગરમ કરો. ગરમ તેલમાં ચકરી પાડો. ધીમા તાપે લાઈટ ગોલ્ડન રંગની થાય એ રીતે તળો. તૈયાર છે સ્વાદિષ્ટ ચકરી. જેને એર ટાઈટ ડબ્બામાં ભરી લો. મહેમાનો આવે ત્યારે ડબ્બો ખોલીને ફટાફટ તેને સર્વ કરો.