- ઓછી વસ્તુમાં સરળતાથી બની જાય છે ફાફડા
- ગરમાગરમ ચટણી અને મરચા સાથે માણો ફાફડાની મજા
- ચણાના લોટની આ વાનગી બ્રેકફાસ્ટમાં બનશે બેસ્ટ ઓપ્શન
મોંઘવારીના સમયમાં આ વર્ષે દશેરાના દિવસે ફરસાણના ભાવમાં વધારો જોવા મળશે. આ વર્ષે દશેરાના પર્વ પર ફાફડા જલેબી મોંઘા થશે. નવરાત્રિમાં આઠમના દિવસથી ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવવામાં આવે છે. શહેરમાં નાના-મોટા મળીને આશરે 10,000 હજારથી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો ઊભા કરીને વેચાણ કરાશે. બજારમાં ફાફડાનો ભાવ કિલોના રૂ.500 થી રૂ.950 સુધી બોલાય છે. જો તમે તહેવારના દિવસે બહારના કોઈ પણ તેલમાં તળેલા ફાફડા ખાવા ઈચ્છતા નથી તો તમે તેને ઘરે જ બનાવી શકો છો. અમદાવાદીઓ ખાવાના અને તહેવાર ઉજવવાના શોખીન છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીની દુકાને લાંબી લાઈનો જોવા મળે છે. જો તમે લાઈનમાં ઊભા રહેવા નથી ઈચ્છતા તો તમે ઘરે જ સરળતાથી ફટાફટ ગરમાગરમ ફાફડા બનાવી શકો છો. તો જાણો સરળ સ્ટેપ્સની રેસિપિ.
પરંપરાગત અને ટ્રેડિશનલ ડિશ
ફાફડા એક ગુજરાતી ડિશ છે. ગુજરાતીઓ તેને ખાસ કરીને સવારના નાસ્તામાં ગરમાગરમ ચટણી અને મરચા સાથે ખાવાનું પસંદ કરે છે. આ સિવાય પણ તેને કોઇપણ સમયે નાસ્તાના રૂપમાં ખાઇ શકાય છે. આ એક હેલ્ધી નાસ્તો છે અને તેનાથી પેટ પણ સરળતાથી ભરાઇ જાય છે. ગુજરાતીઓ ફૂડી નેચર રાખે છે અને સાથે જ જો આવી કોઇ પરંપરાગત કે સ્ટ્રીટ ડિશ મળી જાય તો તેમને મજા જ પડી જાય છે. દશેરા કે અન્ય કોઇપણ સમયે તમે આ ગરમ અને પરંપરાગત નાસ્તાની લિજજ્ત માણી શકો છો.
સામગ્રી
– 2 કપ ચણાનો લોટ
– 5 ટીસ્પૂન તેલ
– 1/2 ચમચી અજમો
– 2 ટી સ્પૂન પાપડ ખારો
– 1/2 ચમચી મીઠું
– તળવા માટે તેલ
બનાવવાની રીત
એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, ખારો અને પાણી ભેળવો. ખારાને બદલે બેકિંગ સોડા વાપરી શકાય. તેમાં અજમો અને પાંચ ટીસ્પૂન તેલ મિક્સ કરો. તેનો લોટ બાંધો. પરાઠાથી કડક અને પુરીથી નરમ લોટ બાંધો. સાત મીનિટ સુધી લોટ બાંધો. લોટને અડધો કલાક રહેવા દો. લોટને મસળી લો અને સાથે તેને નાના લૂઆના શેપમાં બનાવો. એક લૂઓ લો અને હાથથી દબાવીને હથેળીથી ખેંચો. ચપ્પાની મદદથી તેને ઉખાડો. આ રીતે દરેક લૂઆને બનાવીને થાળીમાં રાખો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ફાફડા નાંખો અને તેને તળો. તે તૈયાર થાય એટલે તેને એબસોર્બ પેપર પર પર કાઢો. જેથી વધારાનું તેલ શોષાઇ જશે. તૈયાર છે ક્રિસ્પી ફાફડા. તેને ચટણી અને તળેલા મરચાની સાથે સર્વ કરી શકાય છે. ગુજરાતીઓ આ ફાફડા અને મરચા -ચટણીની મજા કોઇપણ સમયે લેતા રહે છે.