- મેંદાની સુંવાળી દિવાળીની મજા વધારશે
- નાનખટાઈનો ટેસ્ટ બાળકોથી માંડીને મોટેરાંને આવશે પસંદ
- ઘરે ઘરે બનતા શક્કરપારાને ભૂલશો નહીં, ચા સાથે પડશે મજા
આજે અમે તમારી માટે 4 પ્રકારના ગુજરાતી નાસ્તાની રેસિપી લઈને આવ્યા છીએ. જે દિવાળીના તહેવારમાં દરેક ગુજરાતી ઘરોમાં બનતા જ હોય છે. તમે પણ આ નાસ્તા ચોક્કસથી બનાવી લેજો. અમે આ પરંપરાગત વાનગીઓની રેસિપી લાવ્યા છીએ. જેથી તમારી દિવાળી પણ એકદમ સરળ અને સ્વાદિષ્ટ બની જાય. સામાન્ય રીતે બજારમાં અત્યારે બધું તૈયાર મળતું જ હોય છે. પરંતુ જો આપણે આપણા સ્વાસ્થ્ય અને પૈસાની ચિંતો કરો તો, ચોક્કસથી આ નાસ્તા ઘરે જ બનાવવા જોઈએ. બસ તો અત્યારે જ નોંધી લો રેસિપી અને ત્યાર બાદ શરૂ કરી દો તૈયારી.
આ સૂકા નાસ્તા ગેસ્ટ વેલકમમાં રહેશે ખાસ
ફરસી પુરી
સામગ્રી
-500 ગ્રામ મેંદો
-150 ગ્રામ રવો
-2 ચમચી અજમો
-1/2 ચમચી બેકિંગ પાઉડર
-1 ચમચો ચેસ મોણ માટે
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
રીત
સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો. રવા અને મેંદાને ભેગા કરી ચાળી લો. તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો. તે પછી નાના-નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો.
સુંવાળી
સામગ્રી
-500 ગ્રામ મેંદો
-200 ગ્રામ ખાંડ
-1 કપ પાણી
-100 ગ્રામ ઘી
-3 ચમચી તલ
-તેલ તળવા માટે
રીત
સૌપ્રથમ એક વાસણમાં મેંદો સારી રીતે ચાળી લો. તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. એક કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. તલને 10 મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. તલ અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો.
નાનખટાઈ
સામગ્રી
-11/2 કપ મેંદો
-1/4 કપ ચણાનો લોટ
-2 મોટી ચમચી દહીં
-1/4 ચમચી બેકિંગ સોડા
-1/2 કપ માખણ
-3/4 કપ દળેલી ખાંડ
-1/4 ચમચી જાયફળ પાવડર
-1/4 ચમચી એલચી પાવડર
-બદામ ઝીણી સમારેલી
-પાણી અથવા દૂધ
રીત
સૌપ્રથમ ઘી કે માખણમાં ખાંડ મિક્સ કરો અને હૈંડ બ્લેંડરથી ક્રીમ જેવુ બનાવી લો. આ મિશ્રણ એકદમ હલકુ અને સ્મૂધ બની જવુ જોઈએ. હવે તેમાં બધી સુકી સામગ્રી મેંદો, ચણાનો લોટ, એલચી પાવડર, જાયફળ પાવડર અને બેકિંગ સોડા નાખો. સારી રીતે મિક્સ કરી લો. પછી દહી નાખો. હવે ધીરે ધીરે ગૂંથી લો. જો જરૂર પડે તો પાણી કે દૂધ નાખી શકો છો. હવે આ ગૂંથેલા લોટના નાના-નાના ટુકડા કરો. તેને તમારી હથેળી પર રોલ કરી લો. તેને હળવેથી દબાવો. તમે ઈચ્છો તો કાંટાની મદદથી તેમા કોઈ ડિઝાઈન પણ બનાવી શકો છો. હવે આ નાનખટાઈને બેકિંગ ટ્રેમાં મુકો. હવે તેને પ્રીહીટેડ ઓવનમાં 200 ડિગ્રી પર 30 મિનિટ સુધી બેક કરો. પછી તેને બેકિંગ ટ્રેમાંથી હટાવીને વાયર રેક પર મુકો. જ્યારે ઠંડુ થઈ જાય તો તેને એર ટાઈટ કંટેનરમાં બંધ કરીને મુકો. જ્યારે જોઈએ ત્યારે સર્વ કરો.
શક્કરપારા
સામગ્રી
-1 કપ મેંદો
-2 ચમચી માખણ
-1/2 કપ દળેલી ખાંડ
-3 કપ ખમણેલું લીલું કોપરું
-1 નાની ચમચી એલચીનો ભૂકો
-3 થી 4 ચમચી દૂધ
-ઘી પ્રમાણસર
રીત
સૌપ્રથમ મેંદામાં માખણ, ખાંડ, કોપરું અને ઈલાયચીનો ભૂકો નાખી, દૂધથી લોટ બાંધવો. લોટ થોડોક ઢીલો રાખવો. લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ આ લોટમાંથી મોટું ગુલ્લા લઈને તેનો રોટલો વણી લો. તેમાંથી ડાયમંડ આકારના શક્કરપારા કટ કરો. હવે ગરમ ઘી અથવા તેલમાં તળવા. આ શક્કરપારા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.