- નાના મોટા સૌ કોઈને પસંદ આવશે મઠિયાનો સ્વાદ
- પરફેક્ટ માપ સાથે બનેલા મઠિયા રહેશે લાંબો સમય
- ગુજરાતીઓને પ્રિય છે મઠિયાની આ વાનગી
દિવાળી આવે એટલે મઠિયાની યાદ અચૂક આવે. તમામ ગુજરાતી ઘરમાં મઠિયાની સીઝન શરૂ થઈ જાય છે. મઠિયાનો ટેસ્ટી સ્વાદ તમને કોઈ પણ સમયે મોઢામાં પાણી લાવી દે છે. તમે તેને ચાની સાથે પણ ખાઈ શકો છો. અનેક ઘરોમાં મઠિયા જાતે જ બનાવવામાં આવે છે. જો તમે પરફેક્ટ માપ સાથે તેને ઘરે બનાવો છો તો તેનો સ્વાદ માણવાની તમને મજા આવે છે.
મઠિયાં એ ગુજરાત રાજ્યના લોકોને પ્રિય વાનગી છે, જે મઠના લોટમાંથી તેલમાં તળીને બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં બધા ગુજરાતી લોકો પોતાના ઘરે મઠિયા બનાવે છે. આ ઉપરાંત પણ લોકો દરરોજ બેથી વધુ વખત પીવાતી ચા સાથેના નાસ્તા તરીકે લેવાતા સુકા ફરસાણ તરીકે પણ મઠિયાનો ઉપયોગ કરે છે. તો જાણો પરફેક્ટ માપ સાથે તેને કેવી રીતે ઘરે બનાવશો.
સામગ્રી
- 1 કિલો મઠનો લોટ
- 250 ગ્રામ અડદનો લોટ
- 100 ગ્રામ ખાંડ
- 2 ચમચી અજમો
- 1 ચમચી મરચું
- 1 મોટી ચમચી પાપડ ખારો
- પા ચમચી હળદર
- અડઘી ચમચી મરી પાઉડર
- અડધો કપ ઘી
- મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીત
સૌથી પહેલાં મઠ અને અડદની દાળના લોટને ચાળીને બરાબર મિક્સ કરી દો. તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ઘી નાંખી બરાબર મિક્સ કરી દો. હવે 2 કપ હૂંફાળુ પાણી લઈ તેમાં પાપડ ખારો, મીઠું, ખાંડ, મરી પાવડર અને અજમો ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો. હવે આ તૈયાર પાણી ઠંડુ થાય એટલે તેનાથી લોટ બાંધો. જરૂર પડે તો થોડુ બીજું પાણી ઉમેરી લો. લોટને 15-20 મિનિટ સુધી બરાબર બાંધો. લોટ કઠણ બાંધવો. ત્યાર બાદ તેને લોખંડના દસ્તાથી ખાંડવો. સરસ એકસરખો થઈ જાય પછી તેને મસળીને વીંટાવાળી તેલવાળો હાથ કરીને નાના લૂવા કરી લો. ત્યારબાદ એકદમ પાતળા વણી નાંખો. મઠિયા તૈયાર થાય એટલે તળી લો. તમે આ મઠિયા 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તેનો સ્વાદ નાના મોટા તમામ લોકોને પસંદ આવે છે.