- ઘરે બનાવી લો સ્વાદિષ્ટ અને હેલ્ધી લાડુ
- પરંપરાગત વાનગીઓથી મળશે બેસ્ટ ટેસ્ટ
- બેસન, રવા અને બુંદીના પારંપરિક લાડુ બનશે બેસ્ટ સ્વીટ ડિશ
દિવાળીમાં પરિવારજનો અને ઘરે આવતા સગાવ્હાલાઓને આપણે સામાન્ય રીતે મોઢું મીઠું કરાવતા જ હોઈએ છીએ. એમાંય જો આપણા સૌના પ્રિય સ્વાદિષ્ટ લાડુ મળી જાય તો કહેવું જ શું? આજે અહીં આવા જ પારંપરિક અને સ્વાદમાં બેસ્ટ લાડુની રેસિપી આપવામાં આવી છે. દિવાળીમાં બરફી-પેંડા તો દરેકના ઘરે મળતા જ હોય છે. જો તમે લાડુ કોઈને પીરસો તો ચોક્કસથી તે, ખુશ થઈ જાય. આ સમયે બેસન, રવા અને બુંદીના પારંપરિક લાડુ બનશે બેસ્ટ સ્વીટ ડિશ. તો બસ કરી લો આ ટ્રેડિશનલ લાડુની રેસિપિ અને લાગી જાઓ તૈયારીઓમાં.
બેસનના લાડુ
સામગ્રી
-500 ગ્રામ કકરુ બેસન
-250 ગ્રામ ઘી
-300 ગ્રામ દળેલી ખાંડ
-2 ચમચી ઈલાયચી પાવડર
-થોડાક કાજુના ટુકડા
રીત
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. બેસનને ચાળીને ઘીની કઢાઈમાં નાખો અને સતત હલાવતા રહો. જ્યાં સુધી બેસન સોનેરી રંગનુ ન દેખાય ત્યાં સુધી હલાવતા રહો. પછી ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમાં દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. આ મિશ્રણના એકસરખા લાડુ બનાવી લો. જો લાડુ ન વળતા હોય તો જ થોડુક દૂધ નાખો. દરેક લાડુ પર બદામનો ટુકડો લગાવી દો. આ લાડુ 10 દિવસ સુધી સારા રહે છે.
કેસર-બુંદીના લાડુ
સામગ્રી
-500 ગ્રામ ચણાનો લોટ
-1 કિલો ખાંડ
-2 ચમચી ઈલાયચીનો ભૂકો
-100 ગ્રામ સુકોમેવો
-1 ચપટી કેસર
રીત
સૌપ્રથમ ચણાના લોટમાં એક ચમચો ઘીનું મોણ નાખીને તેનું બુંદી બને તેવું પાણી નાખી ખીરું બનાવી લો. 3 થી 4 કલાક રાખી મૂકો. ખાંડની ચાસણી બનાવી તેમાં કેસર નાખીને મૂકી રાખો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો. હવે એક ઝારો લો, તેમાં ધીરે ધીરે ખીરું નાખીને બુંદી પાડો. બુંદી તળાઈને ઉપર આવે કે તેને સારી રીતે ઘી નીતારીને કાઢી લો. આ રીતે બધી બુંદી પાડી લો. હવે આ બુંદીને ચાસણીમાં નાખો. થોડો સમય રાખી મુકો. બુંદીમાં ચાસણી સારી રીતે મિક્સ થયા પછી તેમાં સુકામેવાના ટુકડા નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણના નાનાં-નાનાં લાડું બનાવી લો.
રવાના લાડુ
સામગ્રી
-100 ગ્રામ સોજી
-250 મિલી લીટર દૂધ
-10 ગ્રામ ઘી
-1/2 કપ ખાંડ(દળેલી)
-1 ચપટી ઇલાયચી પાવડર
રીત
સૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં સોજી સામાન્ય ભૂરા રંગની થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમાં ઘી અને દૂધ મિક્સ કરો. આને ત્યાંસુધી મિક્સ કરો જ્યાં સુધી મિશ્રણ થોડું ચિકણું ન લાગે. પછી તેમાં ઇલાયચી પાવડર નાંખી મિક્સ કરો અને મિશ્રણ લાડુ વાળવા જેવું લાગે એટલે પેનને ગેસ પરથી ઉતારો અને મિશ્રણમાં દળેલી ખાંડ મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણમાંથી નાના-નાના લાડુ બનાવી લો. જ્યારે લાડુ સૂકાઇ જાય એટલે તેને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. ઇચ્છો ત્યારે તેનો સ્વાદ માણો. તમે ઇચ્છો તો આમાં મનપસંદ ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી શકો છો.