- માલદીવ અને ભારતીય નાગરિકો વચ્ચે પાર્કમાં ઝપાઝપી સર્જાઈ
- નજીવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, બે ઘાયલ
- માલદીવ પોલીસે એક સ્થાનિક નાગરિકની અટકાયત કરી
માલદીવની રાજધાની માલે પાસે ભારતીય નાગરિકો સાથે મારામારીની ઘટના સામે આવી છે. સ્થાનિક નાગરિકો અને ભારતીય લોકોના એક જૂથ વચ્ચે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના માલેથી આશરે સાત કિલોમીટર ઉત્તર પૂર્વમાં હુલહુમાલેના સેન્ટ્રલ પાર્કમાં બની હતી. રાત્રે નવ વાગ્યે બે જૂથ વચ્ચે ઝપાઝપી થઈ હતી. માલદીવથી મળતી માહિતી અનુસાર એક માલદીવના નાગરિકને પોલીસે અટકાયત કરી હતી. જો કે પોલીસે એ વાતનો ખુલાસો નથી કર્યો કે ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત વ્યકિત કયા દેશનો છે.
પાર્કની અંદર અથડામણ સર્જાઈ
મળતી માહિતી અનુસાર, પોલીસે કહ્યું કે એક પાર્કની અંદર માલદીવિયન અને ભારતીયોના જૂથ વચ્ચે અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. ગંભીર ઈજાગ્રસ્ત બે લોકોને હુલહુમાલે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાદમાં તેને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. માલદીવમાં ભારતીય હાઈ કમિશન કે માલદીવ સરકારે હજુ સુધી બંને દેશોના નાગરિકો વચ્ચેની અથડામણ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
ભારત-માલદીવના સંબંધો વણસ્યા
ચીનની નજીક ગણાતા માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુએ ગયા વર્ષે સત્તા સંભાળી ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. સત્તામાં આવ્યા પછી તેમણે કરેલા પ્રથમ વચનો પૈકી એક માલદીવની વિશાળ દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ કરવા માટે તૈનાત ભારતીય સુરક્ષા કર્મચારીઓને બહાર કાઢવાનો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં માલદીવના કેટલાક મંત્રીઓ, જેમાં ડેપ્યુટી મિનિસ્ટર સહિત પીએમ મોદી વિરુદ્ધ જાતિવાદી ટીપ્પણીઓ કરવામાં આવી હતી તેના પર થયેલા વિવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા.
મુઈજ્જુએ ભારત વિરોધી નિવેદન આપ્યું હતું
ગયા મહિને, મોહમ્મદ મુઈજ્જુએ તેના ભારત વિરોધી વલણને વેગ આપ્યો હતો અને તમામ ભારતીય સૈનિકોને હિંદ મહાસાગરમાં સ્થિત દ્વીપસમૂહ છોડવા માટે 10 મેની સમયમર્યાદા નક્કી કરી હતી. ગયા વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત પછી, મુઈજ્જુએ ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં માલદીવને ભારત પર નિર્ભરતાથી દૂર કરવાની વાત કરી હતી.
માલદીવ ચીન સાથે નિકટતા વધારી રહ્યું છે
તબીબી સેવાઓ માટે શ્રીલંકા સાથેની વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવા ઉપરાંત, મુઈજ્જુની સરકારે દરિયાઈ દેખરેખ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન માટે તુર્કી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને બિન-ઘાતક લશ્કરી સાધનો અને તાલીમના પુરવઠા માટે ચીન સાથે કરાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં મુઈજ્જુએ ફરી એકવાર પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી છે.


