- ચીનની પાંચ દિવસનું મુલાકાત કરીને પરત ફર્યા માલદીવના રાષ્ટ્રપતિ
- કોઈનું નામ લીધા વગર જ રાષ્ટ્રપતિ મુઈજ્જુ આપ્યું નિવેદન
- રાષ્ટ્રપતિ મુઈજ્જુએ ચીનને કરી હતી વધુ પ્રવાસીઓ મોકલવા અપીલ
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ચીનનો પાંચ દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે. તેમણે માલદીવ પરત ફરતાની સાથે જ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે અમને ધમકાવવાનું લાયસન્સ કોઈની પાસે નથી.
મુઈજ્જુએ કહ્યું છે કે અમે ભલે એક નાનો દેશ હોઈએ પરંતુ કોઈને અમને ધમકાવવાનું લાયસન્સ નથી મળી જતું. જો કે મુઈજ્જુએ કોઈનું નામ લીધા વગર આ નિવેદન આપ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનું નિશાન ભારત તરફ છે. ચીની સમર્થક તરફી ગણાતા મુઈજ્જુએ પોતાની પાંચ દિવસની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે.
મુઈજ્જુએ ચીનને કરી હતી અપીલ
ભારતીયો દ્વારા માલદીવના બહિષ્કારના ચાલી રહેલા વલણ વચ્ચે મુઈજ્જુએ ચીનને અપીલ કરી હતી કે તે વધુને વધુ ચીની પ્રવાસીઓને માલદીવ મોકલે. માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરતાં મુઈજ્જુએ કહ્યું હતું કે કોવિડ પહેલા આપણા દેશમાં આવતા મોટાભાગના પ્રવાસીઓ ચીનના હતા. હું વિનંતી કરું છું કે ચીને આ માટે ફરીથી તેના પ્રયાસો વધુ તીવ્ર કરવા જોઈએ.
મુઈજ્જુની ચીનની પ્રથમ મુલાકાત કેમ બની વિવાદાસ્પદ?
મુઈજ્જુની ચીનની આ મુલાકાત તેમની પ્રથમ રાજકીય મુલાકાત હતી. આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે માલદીવના ત્રણ મંત્રીઓએ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ, આ મામલો સોશિયલ મીડિયા પર જોર પકડવા લાગ્યો.
જ્યારે આ મામલો ગરમાયો તો માલદીવ સરકારે પોતાના જ ત્રણ આરોપી મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા. બાદમાં વિદેશ મંત્રાલયે ભારતમાં માલદીવના દૂતાવાસને બોલાવીને આ બાબતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાંક દિવસો થી બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ યથાવત ચાલી રહ્યો છે.
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ તેમના ચૂંટણી ઢંઢેરામાં લગભગ 75 ભારતીય સૈનિકોની નાની ટુકડીને હટાવવાનો સંકલ્પ લીધો હતો. ભારત અને માલદીવે ભારતીય સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે કોર ગ્રૂપની રચના કરી છે. મુઈજ્જુનું સ્લોગન હતું ‘ઈન્ડિયા આઉટ’. તેમણે માલદીવની ‘ઈન્ડિયા ફર્સ્ટ પોલિસી’માં ફેરફાર કરવાની પણ વાત કરી હતી. જ્યારે ભારત અને ચીન બંને માલદીવમાં પ્રભાવ સ્થાપિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.
જાણો શું છે સમગ્ર વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મામલે વિવાદ વધ્યા બાદ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


