- ભારતીય મુસાફરોનું ‘બૉયકોટ માલદીવ’ અભિયાન સફળ
- માલદીવના પર્યટન મંત્રાલયે જાહેર કર્યા પ્રવાસીઓના આંકડા
- ચીની પ્રવાસીઓની સંખ્યા વધુ છતાં હજુ ત્રીજા સ્થાને
ભારતીય મુસાફરો દ્વારા જાન્યુઆરી મહિનામાં ચલાવવામાં આવેલ ‘બૉયકોટ માલદીવ’ અભિયાનની અસર હવે સ્પષ્ટ જોવા મળી રહી છે. માલદીવમાં ભારતીય ટુરિસ્ટની સંખ્યા પહેલાની સરખામણીમાં સીધી પાંચમા ક્રમે આવી ગઈ છે. તેને લઈને સોમવારે માલદીવ પર્યટન મંત્રાલય દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
માલદીવના પર્યટન મંત્રાલયના આંકડાઓ અનુસાર, માલદીવમાં ચીની પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તે હજુ પણ ત્રીજા સ્થાને છે. એક અહેવાલ મુજબ માલદીવના રાષ્ટ્રપતિએ ચીનની મુલાકાત દરમિયાન ચીનની સરકારને ચીની પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાની વિનંતી કરી હતી. આમ છતાં ચીની પ્રવાસીઓ હજુ પણ ભારતીય પ્રવાસીઓની ભરપાઈ કરી શક્યા નથી.
પીએમ મોદીએ લક્ષદ્વીપને ગણાવ્યું હતું માલદીવ
વાસ્તવમાં, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાતથી પરત ફર્યા બાદ એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે ભારતીય પ્રવાસીઓને લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. આ ટ્વીટ બાદ માલદીવમાં હોબાળો મચી ગયો હતો અને ત્યાંના ઘણા મંત્રીઓએ પીએમ મોદીના ટ્વીટ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ ભારતીયોએ સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવનું હેશટેગ શરૂ કર્યું હતું અને માલદીવનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ, માલદીવ સરકારે પોતાના મંત્રીઓને જ નીલંબિત કરી દીધા હતા.
માલદીવ સરકારના પર્યટન મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, માલદીવમાં ચીનના પ્રવાસીઓની સંખ્યા 21 જાન્યુઆરીએ ભારત કરતાં આગળ નીકળી ગઈ હતી, જ્યારે વર્ષ 2023માં માલદીવમાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓ હતા.
આ રીતે બદલાય માલદીવ ટૂરિઝમના આંકડા
માલદીવ પર્યટનમાં ભારતીય પ્રવાસીઓનો હિસ્સો 31 ડિસેમ્બર 2023 સુધી 11.1 ટકા હતો, જ્યારે રશિયા બીજા સ્થાને હતું. જ્યારે ચીન 10 ટકા હિસ્સા સાથે ત્રીજા સ્થાને હતું. માલદીવ સરકારે 3 જાન્યુઆરીએ જાહેર કરેલા આંકડામાં ચીન ટોપ-10માં પણ દેખાતું ન હતું. જો કે, 13 જાન્યુઆરી 2024 સુધીમાં, ભારતીય પ્રવાસીઓનો હિસ્સો 8.1 ટકા સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો હતો. આ દરમિયાન ચીન છઠ્ઠા સ્થાને પહોંચી ગયું હતું.
માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુની બેજિંગ મુલાકાત બાદ 21 જાન્યુઆરી સુધીમાં ચીન માલદીવના પર્યટનમાં ચોથા સ્થાને પહોંચી ગયું હતું અને ભારત પાંચમા સ્થાને સરકી ગયું હતું. 28 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર ચીન 9.5 ટકા ભાગીદારી સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. જણાવી દઈએ કે, ગત વર્ષે માલદીવમાં થયેલી ચૂંટણીમાં મોહમ્મદ મુઈજ્જુ રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે પોતાના સમગ્ર ચૂંટણી પ્રચાર ભારતીયોના વિરોધમાં જ કર્યો હતો. તેથી, હવે માલદીવમાં મુઈજ્જુ સરકારને ભારત વિરોધી અને ચીનની નજીક કહેવામાં આવે છે.


