- ઘરફોડ ચોરીના 18 જેટલા ગુનામાં આરોપીની સંડોવણી
- પોલીસે રૂા.4.45 લાખનો મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી
- મલ્લીની પૂછપરછમાં સીક્લીગર ગેંગનો પર્દાફાસ થયો
ગોધરા એસટી ડેપો ખાતેથી સીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મલ્લી માનસિંગ ટાંકને રૂા. 4,45,018ના મુદ્દામાલ સાથે પંચમહાલ એલીસીબી પોલીસે ઝડપી પાડયો હતો. ઘરફોડ ચોરીના કુલ 18 જટેલા ગુનામાં સંડોવાયેલો મલ્લી ગોધરા ખાતે ચોરીનો મુદ્દામાલ વેચવા આવતા પકડાયો હતો. મલ્લીની પૂછપરછમાં સીક્લીગર ગેંગનો પર્દાફાસ થયો છે. તેમજ આ ગેંગ પાસેથી ચોરીનો મુદ્દામાલ ખરીદનાર વડોદરા અને શહેરાના વેપારીના પણ નામ ખુલ્યા છે.
પંચમહાલ જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગોધરા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઈને મિલકત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ વણ શોધાયેલા મિલકત સબંધી ગુન્હાઓ ડિટેકટ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે સૂચના અંતર્ગત ગોધરા એલ.સી.બી.પોલીસ નાં એ.એસ.આઇ. દીગપાલસિંહ દશરથસિંહે હ્યુમન સોર્સિસ આધારે માહિતી મેળવી હતી કે, હાલોલ તાલુકાના જાંબુડી ગામનો મલીન્દરસીંગ ઉફે મલ્લી માનસિંગ ટાંક સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા કોઈક જગ્યાએથી ચોરી અગર તો છળકપટ થી વેચાણ કરવા માટે નીકળ્યો છે. જે હાલમાં ગોધરા શહેરનાં એસ.ટી.ડેપો ખાતે ઊભો છે. આ ચોક્કસ બાતમી આધારે ગોધરા એલ.સી.બી. પોલીસના સબ ઇન્સ્પેકટર ડો.એમ.એમ.ઠાકોર તેમજ સ્ટાફ્ દ્વારા ગોધરા શહેરનાં એસ.ટી.ડેપો ખાતે જઈ બાતમી વર્ણન વાળા આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. ઉપરોક્ત ઝડપાયેલો મલ્લી માનસિંગ ટાંક સંખ્યાબંધ ગુન્હાઓમાં વોન્ટેડ તેમજ ગુન્હાહિત પૂર્વ ઇતિહાસ ધરાવતો રીઢો આરોપી છે. મલ્લી માનસિંગ ટાંક પાસેથી પોલીસે સોનાના સીક્કા,ચાંદીના સીક્કા,સોનાની કાનસેર, ચુની, પાયલ, વીંટી ,ચાંદી ની ગાય, ઘૂઘરા તેમજ અન્ય સરસામાન મળી કુલ રૂ.4,45,018 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઘરફોડ ચોરી કરતા સિકલીગર ગેંગના સભ્યોના નામ
1. મલીન્દરસીંગ ઉફે મલ્લી માનસિંગ ટાંક,રહે. જાંબુડી ગામ તા.હાલોલ 2. ગોવિંદસીંગ કિરપાલસીંગ ભાદા,રહે.મહેમદાવાદ,શીખ વાડ 3. મલીન્દરસીંગ ઉફે ડોન મોહન સીંગ ભાદા ,રહે.મહેમદાવાદ શીખ વાડ 4. રાજેન્દરસિંગ, રહે,વડોદરા 5.જરનેલસીંગ ઉફે જલુસીંગ ટાંક,રહે. અલથાણ ટેનામેન્ટ, ભટાર, સુરત 6. ગુલ્લુ સીંગ બબલુ સીંગ ચિખલીગર, રહે. ડિંડોલી, સુરત
ઘરફેડ ચોરીઓનાં ગુન્હાઓમાં મુદ્દામાલ લેનાર આરોપીઓ
1. પ્રકાશભાઈ ચંપકલાલ સોની,રહે.હર્ષદમાતા જવેલર્સ, માંડવી, વડોદરા શહેર. 2. જશોદાબેન પ્રકાશભાઈ સોની, રહે.હર્ષદમાતા જવેલર્સ, માંડવી, વડોદરા શહેર. 3. પ્યારેસીંગ કરણસીંગ બાવરી, રહે. શહેરા,પંચમહાલ.
સિકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડિ
સીકલીગર ગેંગ ની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ સોસાયટી વિસ્તારોમાં ભૂંડ પકડવાનું કામ દિવસ દરમિયાન કરતા હોય અને જે બહાને બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે નજીકની સોસાયટીમાંથી મોટર સાયકલની ચોરી કરી બંધ મકાન નાં નકૂચા તોડી ચોરીને અંજામ આપી મોટર સાયકલ અવાવરૂ જગ્યાએ મૂકી ને જતા રહે છે.


