- પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયા ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે
- કોંગ્રેસના અધીર રંજન સામે યુસૂફ પઠાણને મેદાનમાં ઉતાર્યો
- કીર્તિ આઝાદને પણ ટિકિટ, નુસરત જહાં અને મીમી ચક્રવર્તીની ટિકિટ કપાઈ
પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયા ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસને જરાય ભાવ આપ્યા વિના તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યના સીએમ મમતા બેનરજીએ રાજ્યની તમામ 42 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. કોલકાતામાં યોજાયેલી એક ચૂંટણી રેલીને સંબોધતા મમતા દીદીએ રાજ્યના ઉમેદવારોની જાહેરાત કરતા બહેરામપુર બેઠક પરથી યુસૂફ પઠાણના નામની જાહેરાત કરી હતી જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરી સામે લડશે. આ બેઠક પર પઠાણને ઉતારીને મમતા બેનરજીએ કોંગ્રેસને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કોલકાતામાં મહારેલીમાં મમતાએ સ્પષ્ટ કરી દીધું હતું કે લોકસભાની ચૂંટણીમાં તે કોંગ્રેસને જરા પણ ભાવ આપવાની નથી. ટીએમસીએ તમામ 42 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખી દીધા છે. આ યાદીમાં બહારથી જગદીશચંદ્ર બાસુનિયા, અલીપુદ્વારથી પ્રકાશ ચિક બેરેક, જલપાઇગુડીથી નિર્મલચંદ્ર રાય, દાર્જિલિંગથી ગોપાલા લામા, રાયગંજથી કૃષ્ણા કલ્યાણી, માલ્દા નોર્થથી પ્રસૂન બેનરજી, માલ્દા સાઉથથી શહનવાઝ અલી રહેમાન, જંગીપુરથી ખલિલુરરહમાનને ટિકિટ આપવામાં આવી છે.
મમતાએ 32 નવા ચહેરાને તક આપી
ટીએમસીએ યુસૂફ પઠાણ ઉપરાંત પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદને પણ બર્દવાનના દુર્ગાપુરની બેઠક પરથી ટિકિટ આપી છે. ટીએમસીની આ યાદીમાં કેટલાક ધારાસભ્યો પણ છે જેમને હવે સાંસદ બનવા ટિકિટ આપવામાં આવી છે. મમતા બેનરજીએ 42 ઉમેદવારો ઊભા રાખ્યા છે તેમાં 32 ચહેરા નવા છે જેમને તક આપવામાં આવી છે. એટલે કે મમતાએ પોતાના ઉમેદવારોની પસંદગીમાં મોટો બદલાવ કર્યો છે. હુગલીની બેઠક પર ફિલ્મ સ્ટાર રચના બેનરજીને ટિકિટ આપી છે. જો કે તેમણે આ ચૂંટણી માટે બહુચર્ચિત નુસરત જહાંની ટિકિટ કાપી છે.


