- હોસ્પિટલમાં સારવાર દરમિયાન 26 વર્ષીય યુવકનું મોત
- હત્યાનાં આરોપીઓની ગણતરીનાં કલાકોમાં ધરપકડ
- ત્રણેય આરોપીઓ વ્યવસાયે શ્રમિક
દિલ્હીમાં એક યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ચોરીની શંકામાં યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તેનું મોત થઈ ગયું હતું. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ વ્યવસાયે શ્રમિક છે. આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સારવાર દરમિયાન મોત
આ ઘટના દિલ્હીનાં મધુર વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર જલ બોર્ડ ગેટ પાસે ચોરની ધરપકડ અંગે પીસીઆર કોલ આવ્યો હતો. એક ટીમ સ્થળ પર મોકલવામાં આવી હતી અને એક ઘાયલ યુવકને શોધી કાઢ્યો હતો. આ યુવકને તાત્કાલિક સારવાર માટે એલબીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકની ઓળખ 26 વર્ષીય સોનુ તરીકે થઈ છે. તે વિનોદ નગરનો રહેવાસી હતો.
એફએસએલની મદદ
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મામલાની તપાસ માટે એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આ વિસ્તારના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને ત્રણ યુવકો વિશે માહિતી મળી હતી જેમણે સોનુ પર હુમલો કર્યો હતો.
ત્રણ આરોપીઓની ધરપકડ
પોલીસે જણાવ્યું કે 30 વર્ષના શ્રમિક જીવન, 28 વર્ષના અશ્વની અને 41 વર્ષના રાકેશની ધરપકડ કરવામાં આવી છે. સોનુના મૃત્યુના સંબંધમાં આઈપીસીની કલમ 304, 341, અને 34 હેઠળ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.