ઉતરાયણનો તહેવાર નજીક આવતા જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં છૂપી રીતે વેચાતી ચાઈનીઝ દોરી સામે ભચાઉ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીમાં પોલીસ દ્વારા પ્રતિબંધિત દોરીના જથ્થા સાથે એક યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ
ભચાઉ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ભચાઉમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરીને તપાસ હાથ ધરતા, ચાઈનીઝ દોરીની કુલ 26 નંગ ફિરકી મળી આવી હતી. બજાર કિંમત મુજબ રૂપિયા 13000 છે. પોલીસે આ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘાતક ચાઈનીઝ દોરી પક્ષીઓ અને માનવીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી તેના વેચાણ પર સખત પ્રતિબંધ છે.
આરોપીની ધરપકડ
આ ગુનામાં પોલીસ દ્વારા 20 વર્ષીય ધૃવગીરી દિનેશગીરી ગોસ્વામી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી ભચાઉ તાલુકાના કરમરીયા ગામનો મૂળ રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. માત્ર 20 વર્ષની નાની ઉંમરે કાયદાનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરતા આ યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
તંત્રની અપીલ
પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ઉત્તરાયણના પર્વ પર ચાઈનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવો. આવી દોરી વેચનાર કે સંગ્રહ કરનાર શખ્સો સામે આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. ભચાઉ પોલીસની આ કામગીરીથી ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


