- ક્રિસમસને લઇને નવા વર્ષની ઉજવણી
- પ્રવાસીઓનુ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યુ શિમલા
- ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઇને લોકો વેકેશન મોડમાં આવી ગયા છે. વર્ષના અંતિમ દિવસોમાં ફેમિલી સાથે ટુર પર જઇ રહ્યા છે. ત્યારે હાલમાં આ દિવસોમાં પ્રવાસીઓનું સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યુ છે શિમલા, કુલ્લુ મનાલી.
હિમાચલમાં વાહનોની લાઇન
હિમાચલ પ્રદેશમાં પણ પ્રવાસીઓના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. મનાલીમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. શનિવારે સાંજે ટ્રાફિક જામની સમસ્યાનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર અનેક જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. હાલ વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
પ્રવાસીઓનો ધસારો વધ્યો
વીકએન્ડના અવસર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ જઈ રહ્યા છે. હિમાચલ, કુલ્લુ, મનાલી અને શિમલાના મુખ્ય પર્યટન સ્થળોમાં પ્રવાસીઓની ભારે ભીડ છે. નાતાલની રજાના કારણે શનિવાર, રવિવાર અને સોમવારે પ્રવાસીઓના ધસારામાં ભારે વધારો થયો છે. શનિ-રવિના દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં પ્રવાસન વ્યવસાયીઓ ખૂબ જ ઉત્સાહિત છે.
વાહનોની લાંબી કતારો
કુલ્લુ જિલ્લાને લાહૌલ સ્પીતિ સાથે જોડતી અટલ ટનલના બંને છેડે હિમવર્ષા થઈ છે. જેને જોવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓની ભીડમાં અચાનક વધારો થવાને કારણે સોલંગનાલાથી મનાલીના પાલચન સુધી ‘મહાજમ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. અટલ ટનલ પાસે હિમવર્ષા બાદ જિલ્લા પ્રશાસને સાવચેતીના પગલારૂપે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હિમવર્ષા જોવા આવેલા પ્રવાસીઓ પરત ફરતી વખતે લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.
શિમલામાં પણ વાહનોની લાઇન
મનાલીના ડીએસપી કેડી શર્માએ જણાવ્યું કે હિમવર્ષાના કારણે સાવચેતીના ભાગરૂપે વાહનોને હિમવર્ષાવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ટ્રાફિક જામને જોતા પોલીસ કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે. પ્રવાસીઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ ઝીરો ખાતે પોલીસ કર્મચારીઓ સંપૂર્ણ સમર્પણ સાથે પોતાની ફરજ બજાવી રહ્યા છે. મનાલીની જેમ શિમલા શહેરના રસ્તાઓ પર પણ વાહનોની લાંબી કતારો છે.


