રણજીત વિલાસ પેલેસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા માંધાતાસિંહ
હિન્દુત્વની રક્ષા માટે નરેન્દ્રભાઇ મોદીને કેન્દ્રમાં રાખીને આપણા નિર્ણયો રાષ્ટ્રહિત લક્ષી હોવા જોઇએ
છેલ્લા ૧૬ દિવસથી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિધાન અંગે ચાલતા વિવાદ અને વિરોધ વચ્ચે આજે રાજકોટના રાજવી અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી માંધાતાસિંહે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજવીએ વાદ-વિવાદ નહી પરંતુ સંવાદની પહેલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે વ્યકિતગત રીતે મારી લાગણી ચોક્કસ પણે ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલી છે. તેમ છતાં હું ક્ષત્રિય પરિવારનું સંતાન છું. એટલું જ નહી એક પ્રજાવત્સલ રાજવી પરિવારનો ઉત્તરાધિકારી પણ છું, એટલે સમાજની જેમ જ મારી લાગણી પણ ઘવાય. મને પીડા પણ થાય જ એ સ્વાભાવિક છે. પરંતુ વાદ-વિવાદ કે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો નહી પરંતુ સંવાદની ભૂમિકાથી આગળ ધપવાનું છે. સનાતન ધર્મ અને હિન્દુત્વની રક્ષા માટે દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સક્ષમ નેતૃત્વની આવશ્યકતા છે. જેનો પણ વિચાર કરીને આપણે સૌએ સંયુકત રીતે જ્ઞાતિ, સમાજ, વ્યકિત અને વિચાર ભેદ જેવી બાબતોથી ઉપર ઉઠીને માત્રને માત્ર રાષ્ટ્ર માટે જ વિચારીને નરેન્દ્રભાઇ મોદીને જ કેન્દ્રમાં રાખીને આપણા નિર્ણયો નૈતિકતાપૂર્વકના અને રાષ્ટ્રહિત લક્ષી હોવા જોઇએ તેવુ મારૂ માનવું છે.
અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે છેલ્લા ૧૬ દિવસથી આ આંદોલન ચાલે છે અને આજે માંધાતાસિંહે આજે પત્રકાર પરિષદ યોજતા રાજકીય પ્રવાહો તેજ થયા છે. જો કે માંધાતાસિંહ બે અઠવાડીયા સુધી સમગ્ર રાજકોટ અને રાજયમાં ક્ષત્રિય સમાજ લડતમાં હતા ત્યારે જાહેરમાં ન આવતા આ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. ક્ષત્રિય સમાજ માટે હંમેશા આદરણીય રાજવી પરિવાર આ મામલે પણ મહત્વની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા જાગી છે.


