- લીકર સ્કેમ પોલિસીમાં જેલમાં છે સિસોદિયા
- બીમાર પત્નીને મળવા પહોંચ્યા સિસોદિયા
- રાઉઝ કોર્ટે આપી માત્ર 6 કલાકની મંજૂરી
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા તેમની બિમાર પત્નીને મળવા માટે કોર્ટની પરવાનગી મળ્યા બાદ શનિવારે તિહાર જેલમાંથી તેમના ઘરે પહોંચ્યા હતા. સિસોદિયા સવારે લગભગ દસ વાગ્યે પોલીસ વાહનમાં મથુરા રોડ પરના તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમની સાથે પોલીસકર્મીઓ પણ હતા. એક દિવસ પહેલા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને શનિવારે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી તેમની બીમાર પત્નીને ઘરે મળવાની મંજૂરી આપી હતી.
5 દિવસની માગી હતી પરવાનગી
જો કે મનીષ સિસોદિયાએ પોતાની બીમાર પત્નીને મળવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે 5 દિવસની પરવાનગી માંગી હતી, પરંતુ કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી. 11 નવેમ્બરના રોજ તેને માત્ર 6 કલાક માટે પોલીસ કસ્ટડીમાં તેની પત્નીને મળવા દેવામાં આવ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન AAP નેતા સિસોદિયા વતી હાજર રહેલા વકીલે કહ્યું કે જો 5 દિવસ શક્ય ન હોય તો 2 દિવસનો સમય આપો. તેણે હાઈકોર્ટના નિર્ણયને પણ ટાંક્યો અને કહ્યું કે હાઈકોર્ટે અગાઉ પત્નીને આ રીતે મળવાની પરવાનગી આપી હતી, પરંતુ કોર્ટ આ દલીલ સાથે સહમત નહોતી. સુનાવણી દરમિયાન CBIએ મનીષ સિસોદિયાની અરજીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
પત્ની છે બીમાર
ઉલ્લેખનીય છે કે આ પહેલા જૂનમાં પણ દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને તેમની પત્ની સીમાને મળવાની મંજૂરી આપી હતી, પરંતુ તેઓ તેમને મળી શક્યા નહોતા કારણ કે સીમાની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિસોદિયાની પત્ની ‘મલ્ટીપલ સ્ક્લેરોસિસ’થી પીડિત છે.