- મનોજ પાંડેનું સમાજવાદી વ્હીપ પદ પરથી રાજીનામું
- મનોજ પાંડે છે કરોડપતિ ધારાસભ્ય
- 11 લાખની જ્વેલરી અને 5 કારના છે માલિક
યુપીની રાજ્યસભાની 10 બેઠકો માટે વોટિંગ ચાલી રહ્યુ છે. તે વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા મનોજ પાંડેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા મનોજ પાંડે બીજેપી નેતા દયાશંકર સિંહ સાથે રાજ્યસભા ચૂંટણી માટે વોટ આપવા આવ્યા હતા. જે જોતા અટકળો તેજ બની છે કે તેઓ ભાજપમાં જોડાઇ શકે છે.
મનોજ પાંડે જોડાશે ભાજપમાં ?
સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી હતી. મળતા અહેવાલ મુજબ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જશે અને પીએમ મોદી તથા અમિતશાહને મળશે. એટલું જ નહીં પાર્ટી તેમને રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવાર પણ બનાવી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા મનોજ પાંડેનું સમાજવાદી વ્હીપ પદ પરથી રાજીનામું અખિલેશ યાદવ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
મનોજ પાંડે પાસે કેટલી મિલકત છે?
એક વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે મનોજ પાંડેની પાસે 16 કરોડ 26 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ સિવાય તેની પર 2 કરોડ રૂપિયાની દેવુ પણ છે. તેમની પાસે 2 લાખ 68 હજાર રૂપિયા રોકડા છે. જેમાં તેમની પત્ની પાસે 1 લાખ 16 હજાર રૂપિયા છે. જ્યારે બેંકમાં 93 લાખ રૂપિયાથી વધુ જમા છે.
11 લાખની કિંમતની જ્વેલરી
મનોજ પાંડે પાસે 4 કાર છે અને તેની પત્ની પાસે 1 કાર છે. તેમની પાસે 3 ફોર્ચ્યુનર કાર, એક ટાટા મેજિક અને એક ટ્રેક્ટર છે, જ્યારે તેમની પત્ની પાસે ઈકો સ્પોર્ટ કાર છે. આ તમામ વાહનોની કિંમત 1 કરોડ 19 લાખ રૂપિયાથી વધુ છે. એટલું જ નહીં તેની પાસે 11 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી પણ છે.


