પીપીપી માટે બિલ્ડરની ૧૬૮૯૪ ચો.મી. જમીન પાણીના ભાવે અપાયાના આક્ષેપ : અનેક માહિતી છુપાવતુ મનપા તંત્ર
શહેરના સાધુ વાસવાણી રોડ પર થાનકી હોસ્પિટલ નજીક ઝુંપડપટ્ટી ઉભી થઇ છે તેની અંદાજે રૂ.3૦૦ કરોડની માર્કેટ પ્રાઇઝની જમીન મનપા તંત્રએ અચાનક ગઇકાલે ડિમોલીશન કરી ચોખી ચણાક કરાવી દીધી હતી. પીપીપી યોજના અંતર્ગત પાણીના ભાવે અપાયેલી આ જમીન ખાલી કરવામાં મનપા તંત્રએ ચુપકીદીથી કામ કર્યુ હતું. સામાન્ય રીતે ડિમોલીશનનું ઓપરેશન હોય ત્યારે મીડિયાને સામેથી આમંત્રીત કરતા મનપા અધિકારીઓએ આ બાબતે મીડિયાથી દૂરી રાખી હતી. આ ઓપરેશન અંગે મનપાના પીઆરઓ વિભાગ દ્વારા પણ મીડિયાને કોઇ માહિતી આપવામાં આવી નથી. અન્યથા સામાન્ય વહિવટી પ્રક્રિયામાં કામ કાજ થયા હોય તો મનપા તંત્ર અખબારી પ્રસિધ્ધી કરતું હોય છે. આથી આ કામગીરી અંગે અનેક સવાલો ઉભા થયા છે.
સાધુ વાસવાણી રોડ ઉપર નટરાજનગર મફતિયા વિસ્તારમાં આવેલ ફૂલ આશરે રૂા.૩૦૦થી ૩૫૦ કરોડની કિંમતની ૧૯,૮૯૪ ચો.મી. જમીન બિલ્ડર માટે ખાલી કરાવવા આજે મનપાના ટી.પી.શાખાના અફસરો શંકાસ્પદ રીતે સાંજના સમયે ધસી ગયા હતા અને ત્રીસ જેટલા મકાનો,ઝુપડાં તોડી પાડીને જમીન ખુલ્લી કરાવી છે. આ જમીન મનપાને મળવાની નથી બલકે બિલ્ડરને મળવાની છે તે જાણતા અફસરોએ શંકાસ્પદ વહીવટ બંધબારણે કરીને આવતીકાલે ચૂંટણી આચારસંહિતાના અમલ પૂર્વે આ ડિમોલીશન કર્યું છે.
એક તરફ સાગરનગર,મચ્છાનગર સહિત લાલપરીના કાંઠે ભાજપના કોર્પોરેટરો, નેતાઆ જાદવ-કવાએ સરકારી જમીન પર વર્ષો પહેલા ઓરડીઓ ખડકી દીધી, આવાસનો ગેરકાયદે લાભ ખાટવા પ્રયાસ કર્યો તેમાં લાખોના કૌભાંડમાં શહેર ભાજપ અને મનપાના અધિકારીઓએ અત્યંત કડક વલણ અપનાવ્યું અને બીજી તરફ અહીં કરોડોનો કદડો ચૂપચાપ કરી નંખાયો તેમાં મનપાને ફાયદો થયો કે નુક્શાન તેની તપાસ પણ કરાઈ નથી બલ્ક આ જમીન બિલ્ડરના હાથમાં જાય તે માટે ખુદ મનપાએ ઉંડો રસ લીધો છે.
આ જમીન ઈ.સ.૨૦૧૯માં માત્ર રૂા. ૧૩.૧૩ કરોડનું પ્રિમિયમ લઈને ઝાયેશા રિયાલીટીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને આપવા તે વખતે જ શંકાસ્પદ નિર્ણય થયો હતો. પ્રિમિયમ ઉપરાંત આ કિંમતી જમીનના ૩૦૦ કબજેદારોને રૂા.૨૦ કરોડના ખર્ચે ફ્લેટ બાંધી આપવાના હતા અને ભાડુ ચૂકવવાનું હતું. માટે આશરે પાંચ ચો.મી. જમીન વપરાય, જે રોડ ટચ નહી પણ અંદરના ભાગે વપરાશે તેને બાદ કરતા આશરે ૧૦થી ૧૨ હજાર ચો.મી.જમીન જેની કિંમત રૂ।.૨૦૦ કરોડથી વધુ થાય છે તે બિલ્ડરને મળે છે. આમ, સાગરનગર અને મચ્છાનગર કરતા અનેકગણુ મોટુ કૌભાંડ આકાર લીધો છે. ગંભીર વાત એ છે કે નાનામવા સર્કલે ૨૦૨૧માં આપેલી જમીનના ભાવ હવે વધી ગયા હોય તેથી તે વખતના ભાવે જમીન અપાઈ નહીં તેમ કહીને ગોપાલ ચુડાસમાએ ભરેલી ડિપોઝીટ સહિતની રૂ.૧૮ કરોડની રકમ તાજેતરમાં જ જપ્ત કરીને હિંમતપૂર્વક નિર્ણય સ્થાયી સમીતિએ લીધાનું જાહેર કર્યુ હતું. પરંતુ આ જમીન તો ૨૦૧૯ના ભાવ મુજબ અપાઇ છે અને પાંચ વર્ષે કામ ન થયું છતાં સોદો રદ કરાયો નથી બલ્કે આજે ઉતાવળે અમલ કરાયો છે.
ચૂંટણી આચારસંહિતા અમલી બને ત્યારે લાલપરીના કાંઠે ડિમોલીશન કરીને ત્યાં વિકાસનો માર્ગ મોકળો કરવાને બદલે ટી.પી.શાખાએ સાધુ વાસવાણી રોડ પર આ જમીન કે જે મનપાને ૨ મળવાની નથી પણ બિલ્ડરને મળવાની છે તે ખાલી કરાવવામાં અત્યંત ઉત્સાહ અને રસ દાખવ્યો છે. એટલું જ નહીં, દરેક કામગીરીનો રિપોર્ટ મનપાના પી.આર.ઓ.મારફત જાહેર કરતા અફસરોએ આ ડિમોલીશનની વિગતો પણ આજે જાહેર કરી નથી. અધિકારીઓના ફોન પણ નોરિપ્લાય થતા હતા. કોઈનું ઉપરથી દબાણ હશે તેવી વાતો વચ્ચે શહેર ભાજપ પ્રમુખનો સંપર્ક કરતા તેમણે ધસીને કહ્યું કે ભાજપે આ માટે દ કોઈ સૂચના આપી નથી અને આઅંગે તપાસ કરાવાશે. સાગરનગર વિસ્તારમાં જમીન કૌભાંડો સામે પગલા લેવાયા, કડક તપાસ થઈ છે, કોંગ્રેસ અને આજે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ પ્રદર્શન કર્યા છે ત્યારે સાધુવાસવાણી રોડ ૫૨ની આ જમીન પર ડિમોલીશનથી લોકોને કેટલી જમીન મળશે અને બિલ્ડરને કેટલી કિંમતની જમીન મળશે અને આ કોન્ટ્રાક્ટ રદ કેમ ન કરાયો તે સવાલ સાથે વિપક્ષો વિરોધ કરે છે કે સૌને સાથ આપે છે તે પણ સવાલ છે.


