આવાસ યોજનાના લોકાર્પણનો કાર્યક્રમમાં ભોજન સમારંભનું આયોજન
ગુજરાતી થાળી 120-130માં મળે છે ત્યારે મનપા રૂ।. 165 ખર્ચશે
રાજકોટમાં આગામી શનિવાર તા. 10ના આવાસ યોજનાના લોકાર્પણનો કાર્યક્રમ મહાપાલિકા દ્વારા યોજાયો છે જેમાં ઉપસ્થિતોને પ્રથમવાર મનપાના ખર્ચે ગુજરાતી ભોજન કરાવવા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં ચાર ધારાસભા મતવિસ્તારના કાર્યક્રમોમાં આશરે 20,000 મેદનીને જમાડવાનો લક્ષ્યાંક છે.રાજ્યમાં દરેક મતક્ષેત્ર દીઠ પાંચ-પાંચ હજારની વસ્તીનો લક્ષ્યાંક હોવાનું જાણવા મળે છે આમ, રાજ્યમાં આશરે 9 લાખ પ્રજાજનો પ્રજાના ખર્ચે ભોજન લેશે તેમ જાણવા મળ્યું છે.
દરેક કામમાં વધુ પડતો ખર્ચ કરતી મહાપાલિકાએ એક થાળી દીઠ રૂ।. 165નો ખર્ચ કરી રહ્યાનું જાણવા મળે છે. ચોટીલા પાસેની હોટલોમાં રૂ।. 120થી 130માં ભરપૂર અનેક વાનગીઓ સાથેની થાળી ખાનગી રેસ્ટોરાંવાળા છૂટક રીતે આપતા હોય છે અને રાજકોટમાં જથ્થાબંધ ફૂડ ખરીદી જેમાં પ્રતિ વ્યક્તિ મહત્તમ રૂ।. 100નો ખર્ચ થાય તેના બદલે પ્રતિ વ્યક્તિ રૂ।. 165 લેખે રૂ।. 33 લાખનું આંધણ થશે.
પ્રજાની તિજોરીમાંથી થનાર આ ખર્ચ ભોજનથી જ નહીં પતે. દરેક કાર્યક્રમ સ્થળે મંડપ, સ્ટેજ સહિત અન્ય વ્યવસ્થા માટે દરેક બેઠક દીઠ રૂ।. 15થી 20 લાખનો અન્ય ખર્ચ થશે અને આમ રાજકોટ મનપાનો ખર્ચ રૂ।. 1 કરોડને આંબે તેવી શક્યતા છે.
ગંભીર વાત એ છે કે આ ખર્ચ માટે પણ કોઈ ટેન્ડર પ્રક્રિયા કરાઈ નથી એટલે કે બારોબાર ગમે તે સંસ્થાને આ કોન્ટ્રાક્ટ આપી દેવાનું પણ નક્કી કરાયું છે. માત્ર રાજકોટ નહીં, પણ રાજ્યની તમામ 182 બેઠકો માટે ભોજન સહિતનો ખર્ચ આશરે રૂ।. 15 કરોડને પાર થાય તેવી શક્યતા છે. રાજકોટ મનપાના વાર્ષિક કાર્યક્રમોનું બજેટ રૂ।.સાત કરોડ હોય છે અને અત્યાર સુધીમાં પાંચથી 6 કરોડ ખર્ચાઈ ગયા છે.