- સિંચાઈ વિભાગે દરખાસ્ત મોકલી પણ મંજૂરી માટે સરકારના અખાડા
- કેનાલનું નાળું ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના સર્જાશે
- માર્ગે વહેલી સવારથી સાંજ સુધી વાહનોની અવર-જવર સતત ચાલુ રહે
આણંદ જિલ્લામાં કરોળિયાના જાળાની જેમ અનેક વિસ્તારોમાં નાની-મોટી કેનાલો ફેલાયેલી છે. જેમાં ઘણી કેનાલો પરથી મુખ્ય ધોરી માર્ગો પણ પસાર થાય છે આવી સ્થિતિ ધરાવતા ઉમરેઠ સુંદલપુરા માર્ગ પણ પસાર થાય છે. આ માર્ગ પર બેચરી ગામ નજીક મુખ્ય કેનાલનું નાળું ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના સર્જાશે તેવી દહેશત વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનાં ઘણાં ગામોની હદમાંથી મુખ્ય કેનાલ પસાર થાય છે. જ્યાં વણસોલ, સૈયદપુરા, લીંગડા ઊંટખરી, ઉમરેઠ, ઓડ, ઉમરેઠ સાવલી સહિત અન્ય નાના ડામર માર્ગો કેનાલ સાથે સંકળાયેલા છે. એક માસ અગાઉ ઉમરેઠ તાલુકાના ભરોડાથી જીતપુરા થઈને અહિમા તરફ્ જવાના માર્ગે નાળું તૂટી ગયું છે. જેના કારણે લોકોને આવવા જવામાં પારાવાર હાલાકી વેઠવી પડે છે. બેચરી ગામ નજીક પસાર થતી મુખ્ય કેનાલનું નાળું છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયું છે. આ નાળું તૂટી જાય તેવી સ્થિતિમાં બેચરી,સુરેલી, ધુલેટા, સુંદલપુરા, લાલપુરા જેવા ગામ પરાં વિસ્તારના લોકોને મુશ્કેલીમાં મુકાય જવું પડે તેવી સ્થિતિ છે. આ માર્ગે વહેલી સવારથી સાંજ સુધી વાહનોની અવર-જવર સતત ચાલુ રહે છે.


